જમીનનો કબજો લેવાની પ્રક્રિયા વખતે હાઇ કોર્ટના ક્લર્ક પર કર્યો હુમલો, આપી ધમકી

થાણે: નવી મુંબઈના કામોઠે વિસ્તારમાં જમીનનો કબજો લેવાની પ્રક્રિયા દરમિયાન હાઇ કોર્ટના ક્લર્ક પર હુમલો કરવા અને તેને ધમકી આપવા બદલ પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
કામોઠે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સેક્ટર-47માં 9 જાન્યુઆરીએ આ ઘટના બની હતી. કોર્ટના 19 ડિસેમ્બરના આદેશ અનુસાર બોમ્બે હાઇ કોર્ટનો ક્લર્ક પવન દોનુજી હરગુડે (31) સિડકો સર્વેયર્સ સાથે ઔપચારિક કબજો લેવા અને ફેન્સિંગનું કામ કરવા ઘટનાસ્થળે ગયો હતો. એ સમયે પ્લોટના માલિક યોગેશ ભગત (25) અને તેના પિતા વિશ્વાસ ભગતે (55) તેના પર હુમલો કર્યો હતો અને ધમકી આપી હતી.
યોગેશ ભગતે તેને કાર્યવાહીનું રેકોર્ડિંગ કરતા અટકાવ્યો હતો અને વિશ્વાસ ભગતે તેને પાવડાથી મારવાનો પ્રયાસ કર્યો હતો.
દરમિયાન ક્લર્ક પવન હરગુડેએ આ પ્રકરણે કામોઠે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે યોગેશ અને તેના પિતા વિશ્વાસ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી, એમ ઇન્સ્પેક્ટર વિમલ બિદવે જણાવ્યું હતું.
(પીટીઆઇ)



