ડોમ્બિવલીમાં ભાજપના ગુજરાતી સમાજ સેલના અધ્યક્ષ પર હુમલો
ઑફિસમાં ઘૂસેલા બે જણે તોફાન મચાવી લૅપટોપ-ખુરશીની તોડફોડ કરી

થાણે: ડોમ્બિવલીમાં ભાજપના ગુજરાતી સમાજ સેલના અધ્યક્ષ પર હુમલો કરી બે જણ ફરાર થઈ ગયા હતા. ગુરુવારે સવારે ઑફિસમાં ઘૂસેલા બન્ને જણે તોફાન મચાવી લૅપટોપ અને ખુરશીની તોડફોડ કરી હતી. આ ઘટનાના ડોમ્બિવલીના ગુજરાતી રહેવાસીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ડોમ્બિવલીના ભાજપના ગુજરાતી સમાજ સેલના અધ્યક્ષ જુગલ ઉપાધ્યાયે નોંધાવેલી ફરિયાદને આધારે વિષ્ણુ નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટના બાદ ભાગી ગયેલા બન્ને આરોપીની પોલીસ શોધ ચલાવી રહી છે.
મળતી માહિતી અનુસાર ડોમ્બિવલી રેલવે સ્ટેશન નજીક લોકોની ભીડથી ઊભરાતા મહાત્મા ગાંધી રોડ પર આવેલી ઑફિસમાં ગુરુવારે સવારે ઉપાધ્યાય બેઠા હતા ત્યારે બે વીસેક વર્ષના બે યુવાન ત્યાં આવ્યા હતા. બેમાંથી એકે તેમના સમુદાયની બદબોઈ કરવા બદલ ઉપાધ્યાય સાથે ઝઘડો કર્યો હતો. પછી ટેબલ પરનું લૅપટોપ જમીન પર પટક્યું હતું અને ખુરશી ઉપાધ્યાય તરફ ફંગોળી હતી.
તોફાન મચાવી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ઉપાધ્યાયે તેમનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભાગતી વખતે બન્ને જણ ઑફિસનું શટર બંધ કરી ગયા હોવાથી તેમનો પીછો કરી શકાયો નહોતો. ઉપાધ્યાયે સમાજની એક વ્યક્તિને ફોન કર્યો હતો, જેણે આવીને શટર ખોલ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ભાજપના અન્ય એક સ્થાનિક પદાધિકારીએ જણાવ્યું હતું કે ઉપાધ્યાય પક્ષના સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટમાં કાર્યરત છે, જ્યાં તે ભાજપના પ્રચાર અને કાર્યક્રમ સંબંધી પોસ્ટ શૅર કરે છે.
ભાજપના સ્થાનિક નેતાના કહેવા મુજબ આ ઘટનાની રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને જાણ કરવામાં આવશે.
આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. હુમલાખોરો કઈ દિશામાં નાસી છૂટ્યા તેની માહિતી મેળવવા પોલીસ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ પણ તપાસી રહી છે.