આમચી મુંબઈમનોરંજન

અભિનેતા સલમાન ખાન પર હુમલાના કાવતરાનો પર્દાફાશ: ચાર પકડાયા

નવી મુંબઈ પોલીસે બિશ્ર્નોઈ ભાઈઓ સહિત 17 જણ સામે ગુનો નોંધ્યો: સોશિયલ મીડિયા પરથી પોલીસને મળી મહત્ત્વની માહિતી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબારની ઘટના બાદ તેના પર જીવલેણ હુમલાનું કાવતરું ઘડ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. નવી મુંબઈ પોલીસે શકમંદોના સોશિયલ મીડિયા ગ્રૂપમાંથી મહત્ત્વની માહિતીઓ મેળવ્યા પછી ચાર આરોપીની ધરપકડ કરી હતી. આ ટોળકીએ સલમાનના ફાર્મ હાઉસ સહિત શૂટિંગનાં સ્થળોની પણ રૅકી કરી હોવાનો ખુલાસો થયો હતો.

પનવેલ શહેર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ ધનંજય તપેસિંહ ઉર્ફે અજય કશ્યપ, ગૌરવ ભાટિયા ઉર્ફે સંદીપ બિશ્ર્નોઈ, વસ્પી ખાન ઉર્ફે વસીમ ચિકના અને રિઝવાન ખાન ઉર્ફે જાવેદ ખાન તરીકે થઈ હતી. આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી, 115 અને 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સલમાન ખાનની હત્યાના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ, આવી હતી લોરેન્સ બિશ્નોઈની યોજના

ડેપ્યુટી પોલીસ કમિશનર વિવેક પાનસરેએ જણાવ્યું હતું કે ગયા વર્ષના નવેમ્બરમાં પનવેલ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર નીતિન ઠાકરેને અભિનેતા પર હુમલાના કાવતરા સંબંધી માહિતી મળી હતી. માહિતીને આધારે પોલીસ અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. વિવિધ મુદ્દાઓ પર તપાસ કરનારી પોલીસોની એક ટીમે શકમંદોના વ્હૉટ્સએપ સહિત અન્ય સોશિયલ મીડિયા ગ્રૂપની માહિતી મેળવી હતી, જેને આધારે ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા.

આ પ્રકરણે પોલીસે 24 એપ્રિલે ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈ, અનમોલ બિશ્ર્નોઈ, સંપત નેહરા, ગોલ્ડી બ્રાર, અજય કશ્યપ સહિત 17 જણ સામે એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો. લૉરેન્સ બિશ્ર્નોઈ હાલમાં ગુજરાતના અમદાવાદ સ્થિત સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેનો ભાઈ અનમોલ બિશ્ર્નોઈ યુએસ અથવા કૅનેડામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કહેવાય છે કે હૅકરની મદદથી સોશિયલ મીડિયા ગ્રૂપની ગુપ્ત વિગતો પ્રાપ્ત કરવામાં આવી હતી. મુખ્ય આરોપી અજય કશ્યપને સૌપ્રથમ 28 એપ્રિલે પનવેલમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. એ જ દિવસે ગૌરવ ભાટિયાને ગુજરાતમાંથી તાબામાં લેવાયો હતો. બન્નેની પૂછપરછ પછી વસીમ ચિકનાની છત્રપતિ સંભાજીનગરથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે જાવેદ ખાનને બેંગલુરુમાં ઝડપી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સલમાન ખાનના ઘરની બહાર ગોળીબારઃ મૃતક આરોપીના પરિવારની હાઇ કોર્ટમાં અરજી

આરોપી કશ્યપના સોશિયલ મીડિયાની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ ટોળકીએ સલમાન ખાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન, પનવેલના ફાર્મ હાઉસ અને અભિનેતા શૂટિંગ માટે જે સ્થળે જાય તે પરિસરોની રૅકી કરી હતી. સલમાન પર હુમલા માટે કૅનેડાથી ગોલ્ડી બ્રાર મારફત નાણાંની સગવડ કરવાની વાત પણ પોલીસે આંતરી હતી.

સલમાન ખાન પર ગોળીબાર માટે પાકિસ્તાનથી શસ્ત્રો ખરીદાવાનાં હતાં

મુંબઈ: નવી મુંબઈ પોલીસે શંકાસ્પદ આરોપીઓના વ્હૉટ્સએપ સહિત અન્ય સોશિયલ મીડિયા ગ્રૂપ તેમ જ ચૅટિંગ પ્લૅટફોર્મની તપાસ કરી હતી. તપાસ દરમિયાન મુખ્ય આરોપી કશ્યપ પાકિસ્તાન સ્થિત ડોગર નામના શખસના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું. કશ્યપની અનેક વાર ડોગર સાથે વીડિયો કૉલ પર વાતચીત થઈ હતી, જેમાં ડોગર અને તેના સાથીઓએ કશ્યપને એકે-47 જેવાં અત્યાધુનિક શસ્ત્રો દેખાડ્યાં હતાં. આ શસ્ત્રોનો ઉપયોગ તે સલમાન ખાનની હત્યામાં કરવાનો હતો, એવું ફોન પરની વાતચીત પરથી જણાયું હતું.

કશ્યપ તેના સાથીઓને હંમેશાં વ્હૉટ્સએપ કૉલ પર વાતચીત કરવાની સલાહ આપતો હતો. કશ્યપે તેના સાથીઓને કહ્યું હતું કે સલમાનને પતાવી નાખવા માટે એકે-47, એમ-16, એકે-92 તેમ જ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં વપરાયેલા જિગાના શસ્ત્ર પૂરાં પાડવામાં આવશે. સલમાનની હત્યા માટે મોટી રકમ આપવાની લાલચ કશ્યપે આપી હતી. આ શસ્ત્રો પાકિસ્તાનમાં હાજર ડોગર પાસેથી ખરીદવાની વાત સોશિયલ મીડિયા પર થઈ હતી. શસ્ત્રોની રકમ ગોલ્ડી બ્રાર દ્વારા ચૂકવવાની પણ વાત થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સલમાનની રૅકી માટે 70 યુવાનોની પસંદગી

મુંબઈ: પોલીસ તપાસમાં જણાયું હતું કે સલમાનની રૅકી માટે 60થી 70 યુવાનોની પસંદગી કરવામાં આવી હતી. આ યુવાનો લૉરેન્સ બિશ્ર્નોઈ અને સંપત નેહરાના નજીકના અને વિશ્ર્વાસુ હોવાનું કહેવાય છે. મુંબઈ, થાણે, નવી મુંબઈ, પુણે, રાયગડ અને ગુજરાતમાં રહેતા આ યુવાનો વારાફરતી રૅકી કરીને પોતાનાં સ્થળે પાછા રવાના થઈ જતા હતા. ગોલ્ડી બ્રાર અથવા નેહરાને ઇશારે સલમાન પર ગોળીબાર કરવાની યોજના હતી. ગોળીબાર માટે 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરોની નિયુક્તિ કરવાના હતા. હુમલા માટે કારની વ્યવસ્થા જૉન નામનો શખસ કરવાનો હતો. ગોળીબાર પછી હુમલાખોરો ક્ધયાકુમારી જવાના હતા, જ્યાંથી બોટમાં દરિયાઈ માર્ગે શ્રીલંકા જવાના હતા. ત્યાંથી હુમલાખોરોને અન્ય દેશમાં મોકલવાની યોજના હતી. આ બધી વ્યવસ્થા અનમોલ બિશ્ર્નોઈ કરવાનો હતો.

શસ્ત્રોની તસ્કરી માટે કશ્યપ દેશઆખામાં ફરતો

મુંબઈ: આરોપી અજય કશ્યપ ઑગસ્ટ, 2023માં પનવેલ બસ સ્ટેન્ડ પરિસરમાં રહેવા આવ્યો હતો. કળંબોલી પાસેના એક ચાના સ્ટૉલ ખાતે અન્ય સાથીઓને મળી તે હુમલા સંબંધી ચર્ચા કરતો હતો. કશ્યપ 20 મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો. કશ્યપ સુખા શૂટરના સંપર્કમાં હતો. બિશ્ર્નોઈ ગૅન્ગનો સભ્ય સુખા શૂટર અત્યાધુનિક શસ્ત્રો પૂરાં પાડવાનું કામ કરતો હતો. તે અનમોલ બિશ્ર્નોઈ સાથે સીધો સંપર્કમાં છે. કશ્યપ ઑગસ્ટ, 2023થી માર્ચ, 2024 દરમિયાન મુંબઈ, પનવેલ, નવી મુંબઈ, પુણે, રાયગડ, ગુજરાત અને ક્ધયાકુમારીમાં રહીને વારંવાર રહેઠાણ બદલતો હતો. છેલ્લા એક વર્ષમાં તે કાશ્મીર, પાકિસ્તાનની સરહદે, બિહાર, સીવાન, ગોરખપુર નેપાળ બોર્ડર, તિરુનાવલ્લી અને તમિળનાડુમાં ફર્યો હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું. આ બધાં સ્થળે તે ગેરકાયદે શસ્ત્રોની તસ્કરી માટે ગયો હોવાનું કહેવાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો