કેબિનેટ ડિસિઝનઃ અટલ સેતુ પર મુસાફરી કરવા ચૂકવવો પડશે આટલો ટોલટેક્સ

મુંબઇ: અટલ સેતુ એટલે કે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પર મુસાફરી કરવા મુંબઈગાર ઉપરાંત નાસિક અને પુણેથી આવનારા રાહ જોઈ રહ્યા છે, પરંતુ તેમણે આ મુસાફરી મફતમાં કરવા નહીં મળે. મહારાષ્ટ્ર કેબિનેટે લીધેલા નિર્ણય અનુસાર વાહનોએ ટોલટેક્સ ચૂકવવો પડશે. જોકે નાના વાહનો માટે આ ટેક્સ રૂ. 500 હોવાનું અગાઉ ચર્ચાતું હતું, પરંતુ હવે રૂ. 250 હોવાનું નક્કી થયું છે. આ સેતુને આવતા અઠવાડિયે વડા પ્રધાનના હાથે ખુલ્લો મૂકવામાં આવે તેવી સંભાવના છે ત્યારે કાર એટલે કે ફોર વ્હીલર માટે રૂ. 250 ટોલટેક્સ નક્કી કરવામાં આવ્યો છે. જોકે હજુ મોટા વાહનો અંગે માહિતી મળી નથી. આજે મળેલી પ્રધાનમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
લગભગ 21 હજાર 200 કરોડ રુપિયાના ખર્ચે અને 22 કિલોમીટર લંબાઇ ધરાવતો આ બ્રિજ દક્ષિણ મુંબઈથી નવી મુંબઈને જોડશે. દેશનો સૌથી લાંબે સિ-બ્રીજ 12મી જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ખુલ્લો મૂકવામાં આવશે. નવી મુંબઈમાં આકાર લઈ રહેલા નવા એરપોર્ટ સુધી પહોંચવા માટે આ બ્રિજ કારચાલકો માટે મોટી રાહત સાબિત થશે તેમ માનવામાં આવે છે.
આ સાથે મુંબઇથી કોકણ અથવા પશ્ચિમ મહારાષ્ટ્રમાં સુખદાયક મુસાફરી માટે એમએમઆરડીએ દ્વારા અટલ સેતુ પૂલ બનાવવામાં આવ્યો છે. આ પૂલ બનાવવા માટે લગભગ 21 હાજર 200 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે. હવે આ પૂલનું કામ પૂર્ણ થઇ ગયું છે અને જલ્દી જ આ પૂલ વહાનવ્યવહાર માટે ખૂલ્લો મૂકાશે. આ બ્રીજને બનવવા માટે કરવામાં આવેલ ખર્ચ વસૂલ કરવા માટે લગભગ 30 વર્ષ સુધી ટોલ વસુલ કરવાનો નિર્ણય એમએમઆરડીએ દ્વારા લેવામાં આવ્યો છે. જોકે આ બ્રિજ પર કોઈપણ પ્રકારનો ટોલટેક્સ વસૂલવામાં ન આવે તેવી માગણી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ કરી હતી.