‘અટલ સેતુ’ પર નવ મહિલામાં આટલા લોકોએ ભર્યું અંતિમ પગલું, પ્રશાસનની ચિંતા વધી
મુંબઈ: બાંદ્રા-વરલી સી-લિંક જ્યારે ખુલ્લો મૂકાયો ત્યારે મુંબઈના રહેવાસીઓને ભલે રાહત થઇ હોય, પરંતુ ટૂંક જ સમયમાં તેના પરથી લોકો કૂદીને જીવન ટૂંકાવવા લાગ્યાની ઘટના પણ બનવા લાગી અને એ જ રીતે અટલ સેતુ પરથી લોકોએ પડતું મૂકીને આત્મહત્યા કરવાની ઘટનાઓ વધી રહી છે. છેલ્લાં નવ મહિનામાં છ જણે અટલ સેતુ પરથી આત્મહત્યા કરી હોવાના બનાવ સામે આવ્યા છે.
જોકે, આમાંથી એક ઘટનામાં કેબ ડ્રાઇવરે મહિલાને આત્મહત્યા કરતા રોકી લીધી હતી અને તેનો જીવ બચાવ્યો હતો, પરંતુ પાંચ ઘટનામાં સમુદ્રમાં કૂદીને લોકોએ પોતાનો જીવ દીધો હોવાનું જાણવા મળ્યું છે.
બુધવારે જ ફિલિપ શાહ નામના બાવન વર્ષના શખસે અટલ સેતુ પરથી સમુદ્રમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. અટલ સેતુ પરથી કૂદીને મૃત્યુને ભેટનારા લોકોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો હોવાથી પોલીસ પ્રશાસન સહિતનું તંત્ર ચિંતિત છે.
લોકો હવે અટલ સેતુને સ્યુસાઇડ પોઇન્ટનું નામ પણ આપવા લાગ્યા છે. આવર્ષે સૌપ્રથમ માર્ચ મહિનામાં દાદર ભોઇવાડા પરિસરમાં રહેતી કિંજલ શાહ નામની 43 વર્ષની મહિલાએ અહીંથી કૂદીને આત્મહત્યા કરી હતી. ત્યાર પછી 30 સપ્ટેમ્બર, સોમવારે સુશાંત ચક્રવર્તી નામની વ્યક્તિએ અહીંથી પડતું મૂક્યું હતું.
આ પણ વાંચો : માટુંગાના કચ્છી વેપારીએ અટલ સેતુ પરથી લગાવી મોતની છલાંગ
સુશાંત વ્યવસાયે બેંકર હતો અને માનસિક તણાવના કારણે તેમણે અહીંથી કૂદીને આત્મહત્યા કરી હતી. જુલાઇ મહિનામાં 38 વર્ષના એન્જિનિયરે પણ અહીંથી દરિયામાં કૂદીને મોતને વ્હાલું કર્યું હતું. તેમનો મૃતદેહ અનેક પ્રયાસો છતાં મેળવી શકાયો નહોતો. એ જ રીતે પલાવા સીટીમાં રહેતા કરુતુરી શ્રીનિવાસે પણ અહીં આત્મહત્યા કરી હતી.