‘અટલ સેતુ’ને લાગી ‘નજર’?: વાહનચાલકોની સંખ્યા ઘટી કે કારણ શું?

મુંબઈ: છેલ્લા ત્રણ મહિનામાં અટલ બિહારી વાજપેયી શિવડી-ન્વાશેવા સી-બ્રિજ પરથી ૨૧ લાખ ૯૨ હજાર ૪૬૬ વાહનો પસાર થયા હતા. આ બ્રિજને ટ્રાફિક માટે ખુલ્લો મૂકતી વખતે એમએમઆરડીએ એક દિવસમાં ૭૦,૦૦૦ વાહનો ચાલવાનો દાવો કર્યો હતો, પરંતુ વાસ્તવમાં હવે રોજ માત્ર ૨૦,000થી ૨૧,000 વાહન અવરજવર કરે છે.
મુંબઈથી નવી મુંબઈનું અંતર માત્ર ૨૦ મિનિટમાં કાપવા માટે એમએમઆરડીએ દ્વારા બનાવવામાં આવેલો ૨૧.૮૦ કિમીનો દેશનો આ સૌથી લાંબો બ્રિજ ૧૩ જાન્યુઆરી સવારે ૮ વાગ્યાથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે, આ બ્રિજ પર અપેક્ષિત સંખ્યામાં વાહનોની અવરજવર નથી.
અટલ સેતુના ઉદ્ઘાટન પછી એક મહિનામાં ૮ લાખ ૧૩ હજાર ૭૭૪ વાહનો એટલે કે દરરોજના ૨૭ હજાર વાહનો દોડતા હતા. પરંતુ હવે તેમાં ઘટાડો થયો છે. હાલમાં રોજના ૨૦,000થી ૨૧,000 હજાર વાહનો દોડી રહ્યા છે.
૧૩ જાન્યુઆરીથી ૨૧ એપ્રિલ સુધીના ત્રણ મહિનામાં માત્ર ૨૧ લાખ ૯૨ હજાર ૪૬૬ વાહનો દોડ્યા હતા. અટલ સેતુ પર દરરોજના ૭૦,૦૦૦ વાહન દોડવાની અપેક્ષા હોવા છતા આ આંકડો સરેરાશ ૨૧,૦૦૦થી આગળ વધ્યો નથી.
ટોલ વધારે હોવાને કારણે અટલ સેતુ પર વાહનોની સંખ્યા ઓછી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત બંને છેડે પુલને જોડતો લિંક રોડ અધૂરો છે. આથી રોડ ટેક્સ ઘટાડવાની સાથે બંને રોડ વહેલી તકે પૂર્ણ કરવાની જરૂર છે.