મુંબઈ એરપોર્ટ પર રૂ. 8.90 કરોડના કોકેઇન સાથે વિદેશી મહિલાની ધરપકડ

મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) મુંબઈ એરપોર્ટ પર રૂ. 8.90 કરોડની કિંમતના કોકેઇન સાથે યુગાન્ડાની મહિલાની ધરપકડ કરી હતી. મહિલાએ કોકેઇન વાળની વિગ અને આંતરવસ્ત્રોમાં છુપાવ્યું હતું.
ડીઆરઆઇના મુંબઇ ઝોનલ યુનિટની ટીમે મળેલી માહિતીને આધારે મંગળવારે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છટકું ગોઠવ્યું હતું અને એન્ટેબેથી નાઇરોબી થઇને આવેલી મહિલાને શંકાને આધારે તાબામાં લીધી હતી.
અધિકારીઓએ મહિલાના સામાનની તલાશી લીધી હતી, પણ તેમને કશું મળી આવ્યું નહોતું. જોકે તેમણે મહિલાની વાળની વિગ અને આંતરવસ્ત્રોની તપાસ કરતાં તેમાં છુપાવેલું 890 ગ્રામ કોકેઇન મળી આવ્યું હતું.
મહિલા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.
ડીઆરઆઇના અધિકારીઓએ દાણચોરો દ્વારા અપનાવવામાં આવતી અસંખ્ય મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે, જેમાં સેનેટરી પેડ્સમાં ડ્રગ્સ છુપાવવું, વ્હિસ્કીની બોટલમાં પ્રવાહી કોકેઇન, મોઇશ્ર્ચરાઇઝરની બોટલમાં કોકેઇન વિગેરે જેવી પદ્ધતિનો સમાવેશ થાય છે. (પીટીઆઇ)