આવકના સ્રોત કરતાં વધુ મિલકત: ભૂતપૂર્વ નગરસેવક અને પરિવારજનો સામે ગુનો

થાણે: આવકના સ્રોત કરતાં 2.14 કરોડ રૂપિયાની વધુ મિલકત ધરાવવા બદલ ભૂતપૂર્વ નગરસેવક અને તેના પરિવારના ચાર સભ્ય વિરુદ્ધ ભિવંડી પોલીસે ગુનો નોંધ્યો હોવાનું એસીબીના અધિકારીએ જણાવ્યું હતું.
એસીબીએ નોંધાવેલી ફરિયાદને આધારે ભિવંડી શહેર પોલીસે ભૂતપૂર્વ નગરસેવક સિદ્ધેશ્ર્વર મોગલપ્પા કામૂર્તિ (64) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. એફઆઈઆરમાં આરોપી તરીકે કામૂર્તિની પત્ની અને ત્રણ પુત્રનો પણ સમાવેશ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: થાણેમાં ઈમારતોના પતરા, સૌર ઉર્જાની પૅનલ, મોબાઈલ ટાવર તપાસ થશે
ભિવંડી નિઝામપુર મહાનગરપાલિકાના નગરસેવક તરીકેના 1985થી 2021 સુધીના કાર્યકાળ દરમિયાનની કામૂર્તિની આવક બાબતે એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)ના થાણે યુનિટ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.
તપાસ દરમિયાન એસીબીને જાણવા મળ્યું હતું કે ભૂતપૂર્વ નગરસેવક પાસે આવકના સ્રોત કરતાં 2.14 કરોડ રૂપિયાની વધુ સંપત્તિ છે. પોતાના પદનો દુરુપયોગ કરીને આ સંપત્તિ એકઠી કરી હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. કામૂર્તિએ ગેરમાર્ગે એકઠી કરેલી સંપત્તિની પરિવારજનોને જાણ હોવાથી તેમની સામે પણ કાર્યવાહી કરાઈ હતી.