શું વિધાનસભાને વિપક્ષનો નેતા મળશે? અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સકારાત્મક વલણ દાખવ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ત્રણે પક્ષો અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. જે બાદ હવે વિધાનસભામાં વિપક્ષના નેતા પદને લઈને આ પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. એમવીએના ત્રણે પક્ષોએ મળીને કુલ 288 બેઠકોમાંથી માત્ર 46 બેઠકો જીતી છે. વિપક્ષના નેતા પદ માટે કોઈપણ પક્ષ પાસે જરૂરી 10 ટકા સંખ્યા (29 વિધાનસભ્ય) નથી. શિવસેના (યુબીટી) 20 બેઠકો, કોંગ્રેસ 16 બેઠકો અને એનસીપી (એસપી)ની પાર્ટી માત્ર 10 બેઠકો જીતવામાં સફળ રહી છે. વિપક્ષના નેતા પદનો દાવો કરવા માટે 288માંથી 10 ટકા એટલે કે ઓછામાં ઓછી 29 બેઠકો જરૂરી છે. દરમિયાન, વિધાનસભાના નવા ચૂંટાયેલા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનસભામાં વિપક્ષના નેતાને લઈને સકારાત્મક વલણ દર્શાવતાં હવે વિપક્ષી નેતા પદ માટે એમવીએમાં સ્પર્ધા થવાની શક્યતા જોવાઈ રહી છે.
રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે, જો વિપક્ષી દળોમાં વિધાનસભ્યોની સંખ્યા ઓછી જણાતી હોય તો પણ તેમની સાથે અન્યાય થશે નહીં. સત્તાધારી બાંકડા પર 237 વિધાનસભ્ય છે. જોકે વિપક્ષી બાંકડા પર બધું મળીને 50 સભ્યો છે અને તેમની સંખ્યા ઘણી ઓછી છે, હું તેમને બોલવાની તક આપીશ. તેમને તેમના વિચારો અને અભિપ્રાયો વ્યક્ત કરવાની તક આપવામાં આવશે. મેં પહેલેથી જ આની ખાતરી આપી છે. વિધાનસભાની કાર્યકારી સલાહકાર સમિતિમાં 12 સભ્યો હોય છે. આ સમિતિમાં 12, 13 પ્રતિનિધિઓ છે, દરેક પક્ષના 20 સભ્યો પાછળ એકને પ્રતિનિધિત્વ આપવામાં આવે છે. વિરોધીઓ પાસે સંખ્યા પૂરતી ન હોવા છતાં અમે તેમને આ સમિતિમાં સ્થાન આપ્યું છે, કારણ કે મને લાગે છે કે ગૃહની યોગ્ય કામગીરી માટે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે સહકાર હોવો જોઈએ.
આ પણ વાંચો …રામગીરી મહારાજે બાંગ્લાદેશી હિંદુઓની સુરક્ષા માટે કેન્દ્રીય હસ્તક્ષેપની હાકલ કરી…
વિધાનસભાના અધ્યક્ષે કહ્યું હતું કે, ‘મારું લક્ષ્ય એ છે કે આગામી વર્ષોમાં મહારાષ્ટ્ર વિધાનસભાની બેઠકો ખૂબ જ નિયમિત અને યોગ્ય રીતે યોજવામાં આવે. વિધાનસભાની એક મિનિટ પણ વેડફાવી ન જોઈએ. લોકોને ન્યાય અપાવવા માટે વિધાનસભાની દરેક મિનિટનો સકારાત્મક ચર્ચા માટે ઉપયોગ કરવો જોઈએ. એટલા માટે હું વિપક્ષ અને શાસક પક્ષો સાથે મળીને કામ કરવા માંગુ છું. છેલ્લા અઢી વર્ષમાં મને બંને બાજુ તરફથી સમર્થન મળ્યું છે. તેથી જ હું વિધાનસભામાં અઢી વર્ષ સારી રીતે કામ કરી શક્યો હતો.
દરમિયાન મીડિયાના પ્રતિનિધિઓએ રાહુલ નાર્વેકરને પૂછ્યું કે શું વિધાનસભાને વિપક્ષી નેતા મળશે? આ અંગે નાર્વેકરે કહ્યું કે, ‘વિધાનસભા આ અંગે નિર્ણય લે છે. નિયમો મુજબ, હું મહારાષ્ટ્ર વિધાનસભા નિયમોની જોગવાઈઓ તેમજ મહારાષ્ટ્ર વિધાનસભાના રિવાજો અને પરંપરાઓ અનુસાર યોગ્ય નિર્ણય લઈશ.’