Assembly Election: ‘બટેંગે તો કટેંગે’ એકતાનું સૂત્ર, ફડણવીસે યોગીના નારા અંગે કરી સ્પષ્ટતા
મુંબઈ: ભાજપનું ‘બટેંગે તો કટેંગે’ સૂત્ર મહાવિકાસ આઘાડી (એમવીએ)ના પ્રચાર વિરોધી છે, એમ જણાવતા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે તેમના સાથીઓ અશોક ચવ્હાણ અને પંકજા મુંડે તથા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર આ સૂત્રનો ચોક્કસ અર્થ સમજવામાં નિષ્ફળ રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણી (Assembly Election)ના પ્રચારમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા વારંવાર ઉક્ત સૂત્રનો ઉચ્ચાર કરવામાં આવ્યો હતો. આ સૂત્રને વિપક્ષો દ્વારા એમ કહીને વખોડી કાઢવામાં આવ્યું હતું કે સાંપ્રાદાયિક અભિવ્યક્તિ છે, જ્યારે સત્તાધારી પક્ષના નેતાઓએ પણ આ સૂત્ર પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો હતો.
‘બટેંગે તો કટેંગે’ મંત્ર કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડીના પ્રચાર-નૅરટિવ વિરોધી છે અને તેનો ચોક્કસ અર્થ થાય છે કે દરેકે એક તાંતણે બંધાઇને રહેવું જોઇએ, એમ ફડણવીસે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. સમાજમાં ભંગાણ પડ્યું ત્યારે વિદેશીઓએ આપણી જમીન પર રાજ્ય કર્યું હતું, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો :Assembly Election: ઓલ ઈન્ડિયા ઉલેમા બોર્ડ ચાલ્યું ‘ઝીણા’ની ચાલ, મહાવિકાસ આઘાડીની મુશ્કેલી વધારશે કે શું?
અજિત પવાર, અશોક ચવ્હાણ અને પંકજા મુંડેનો આ સૂત્ર પ્રત્યેનો અણગમો વિશે પૂછતા ભાજપના નેતાએ કહ્યું હતું કે મને લાગે છે કે તેઓ આ સૂત્રનો ચોક્કસ અર્થ સમજ્યા જ નથી. તેનો અર્થ એમ થાય કે બધાએ એકસાથે રહેવું જોઇએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમ જ કહ્યું છે કે ‘એક હૈ તો સેફ હૈ’.
તેનો અર્થ એવો નથી કે અમે મુસ્લિમ વિરોધી છીએ. સરકારે દરેક સમુદાયના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ બનાવી છે. શું લાડકી બહેન યોજના મુસ્લિમ બહેનો માટે લાગુ નથી?, એવો સવાલ પણ ફડણવીસે કર્યો હતો.