વિધાનસભા ચૂંટણીઃ 'મહાયુતિ'માં મુખ્ય પ્રધાનપદનાં ઉમેદવારના પોસ્ટર જારી, હવે કોનું નામ? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિધાનસભા ચૂંટણીઃ ‘મહાયુતિ’માં મુખ્ય પ્રધાનપદનાં ઉમેદવારના પોસ્ટર જારી, હવે કોનું નામ?

મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાયુતિને પડેલા ફટકા પછી વિધાનપરિષદની ચૂંટણીમાં આંશિક રાહત થઈ છે, પરંતુ એના પછી વિધાનસભાની ચૂંટણી (Assembly Election) માટે મસમોટી કમર મહાયુતિ અને મહાવિકાસ આઘાડી (MVA) કસી છે. મહાયુતિમાં ભાજપને બહુમતી મળ્યા પછી હવે સિનિયર નેતાઓ મુખ્ય પ્રધાનની હોડમાં છે, જે હવે તેમના કાર્યકરો છડેચોક જાહેરાત કરે છે.

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા હાલમાં જ બહાર પાડવામાં આવેલા એક વીડિયોમાં ભાવિ મુખ્ય પ્રધાન અજિત પવાર લખેલું હોય તેવી ટોપી પહેરેલી મહિલા કાર્યકર દેખાઇ હતી. હવે બીડમાં પંકજા મુંડેને ભવિષ્યમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે તેવું લખેલા પોસ્ટર જોવા મળ્યા છે.

આ પણ વાંચો : I.N.D.I.A ગઠબંધનને 13માંથી 10 બેઠક મળી, ભાજપને ભારે નુક્સાન

હાલમાં જ થયેલી વિધાન પરિષદની ચૂંટણીમાં પંકજા મુંડેએ જીત હાંસલ કરી ત્યારબાદ તેમના ઉત્સાહમાં આવી ગયેલા કાર્યકર્તાઓએ બીડ ખાતે પંકજા મુંડેને મહારાષ્ટ્રના ભવિષ્યના નાયબ મુખ્ય પ્રધાન ગણાવતા પોસ્ટર ઠેર ઠેર લગાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે થોડા સમયમાં મહારાષ્ટ્રના એકનાથ શિંદે પ્રધાન મંડળનો વિસ્તાર પણ થવાનો છે ત્યારે આ રીતના પોસ્ટરો સૂચક માનવામાં આવી રહ્યા છે. પંકજા મુંડેને કેબિનેટમાં સ્થાન મળશે અને તેમને પ્રધાનપદુ સોંપવામાં આવશે એ વાત નક્કી છે, તેવી ચર્ચા પણ થઇ રહી છે.

થોડા મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી છે અને પંકજા મુંડે ઓબીસી સમાજનો ચહેરો છે ત્યારે પંકજા મુંડેને પ્રધાન બનાવીને ઓબીસી મત મેળવવાનો દાવ પણ કારગર સાબિત થઇ શકે છે. કારણ કે લોકસભાની ચૂંટણીના ટાણે જ મરાઠા આંદોલન અને ઓબીસી વિરુદ્ધ મરાઠાનો માહોલ ઊભો થતા મહાયુતિને નુકસાન ભોગવવું પડ્યું હોવાનું પણ કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે 2019માં થયેલી લોકસભાની ચૂંટણીમાં પંકજા મુંડેએ એનસીપી(અવિભાજિત)ના ઉમેદવાર બજરંગ સોનાવણે સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

સંબંધિત લેખો

Back to top button