વિધાનસભાની ચૂંટણી શિક્ષકોનું દિવાળી વેકેશન બગાડશે?
મુંબઈઃ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમે ગત સપ્તાહે રાજ્યનો પ્રવાસ કર્યા બાદ રાજ્યભરમાં વિધાનસભાની ચૂંટણીની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જો કે હજુ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી, પરંતુ દિવાળી પછી નવેમ્બરના બીજા સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી ધારણા છે. ચૂંટણી પંચની ટીમે ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી સ્ટાફને તૈયાર રહેવા સૂચના આપી છે. તેમાં શાળાના શિક્ષકો, કોલેજ અને યુનિવર્સિટી કક્ષાના પ્રોફેસરો, અન્ય અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થતો હોવાથી તેમનું દિવાળી વેકેશન ટૂંકાવાની સંભાવના છે. આ અંગે શિક્ષણ જગતમાંથી નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ફિલ્મનામાઃ મુંબઈ માફિયા: પોલીસ ટ/ત ધ અન્ડરવર્લ્ડ
ઉનાળુ અને દિવાળી વેકેશન શિક્ષકો, પ્રોફેસરો, નોન-ટીચિંગ સ્ટાફ અને શિક્ષણ અધિકારીઓ માટે હક્કનું ગણાય છે. ઉનાળાના વેકેશન દરમિયાન શિક્ષકો પેપરો તપાસવામાં વ્યસ્ત રહેતા હોય છે. આ વર્ષે ઉનાળાના વેકેશનમાં લોકસભાની ચૂંટણી હોવાથી શિક્ષકો અને પ્રોફેસરો એમાં વ્યસ્ત હતા. જો કે દિવાળીની રજામાં તેની સરખામણીમાં કામનું ભારણ ઓછું હોય છે. હવે દિવાળીની આસપાસ વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી ફરી એકવાર શિક્ષકો-પ્રાધ્યાપકો, નોન ટીચિંગ સ્ટાફ અને અધિકારીઓ ચૂંટણીની કામગીરીમાં જોડાય તેવી શક્યતાઓ છે. સરકારે શિક્ષકોને આ કામમાં જોડવાને બદલે બેરોજગાર શિક્ષિત યુવાનો અને અન્ય કર્મચારીઓને રોજગારી આપવી જોઈએ તેવી પણ અનેક શિક્ષકોની માંગ છે.
વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે ત્યારે મુંબઈ યુનિવર્સિટી સહિત રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીઓમાં ડિગ્રી અને અનુસ્નાતકની શિયાળુ પરીક્ષાની લેખિત અને પ્રેક્ટિકલ પરીક્ષાઓ યોજાવાની છે. જેમાં મુંબઈ યુનિવર્સિટીની ત્રીજા વર્ષની બી.એ.ની પરીક્ષા ૧૩ થી ૨૫ નવેમ્બર દરમિયાન યોજાશે, જ્યારે એન્જિનિયરિંગની લેખિત પરીક્ષા બાદ પ્રેક્ટિકલ પરીક્ષાઓ સાથે અન્ય કેટલીક પરીક્ષાઓ ૩૧ ઓક્ટોબર પહેલા પૂર્ણ કરવાની છે. જો આ સમયગાળા દરમિયાન ચૂંટણીની ફરજ આવશે તો યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓના આયોજનમાં મોટા ફેરફારો કરવા પડશે, તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.