આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

શિંદેએ કર્યો બળવાનો બચાવ, કહ્યું શિવસેનાનું અગાઉનું નેતૃત્વ વિકાસ વિરોધી હતું

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે તેમના બળવા અને મહા વિકાસ આઘાડીમાંથી બહાર નીકળવાના નિર્ણયનો બચાવ કરતાં એવો આરોપ લગાવ્યો હતો કે તત્કાલીન શિવસેના નેતૃત્વ વિકાસ વિરોધી વલણ ધરાવતું હતું અને હિન્દુત્વ સિદ્ધાંતોથી દૂર થઈ ગયું હતું.

શિવસેનાના વડાએ એક ન્યૂઝ સંસ્થા સાથેના વિશેષ ઈન્ટરવ્યૂમાં એવો દાવો કર્યો હતો કે જ્યારે પક્ષ એમવીએનો ભાગ હતો ત્યારે ‘શિવસેના કોંગ્રેસને વેચવાનો’ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેને લોકોના ભરોસાનો વિશ્વાસઘાત ગણાવ્યો હતો.
શિંદેએ એમ પણ કહ્યું હતું કે, ‘મેં તેમને (એમવીએ અને ઉદ્ધવ ઠાકરે) એટલા માટે છોડી દીધા હતા, કારણ કે તેઓ વિકાસ વિરોધી હતા અને શિવસેનાનું તત્કાલીન નેતૃત્વ હિન્દુત્વથી દૂર જઈ રહ્યું હતું.’

‘મેં ફરીથી ભાજપ સાથે જોડાણ કરવા દબાણ કર્યું, પરંતુ તેમણે (ઠાકરે) અમારું સાંભળ્યું નહીં,’ એવો દાવો તેમણે કર્યો હતો કે મહાયુતિ સરકારે લોકોના જનાદેશને પુન:સ્થાપિત કર્યો છે.

તેમણે વધુમાં એવો આક્ષેપ કર્યો હતો કે ‘એમવીએ સ્પીડ બ્રેકર્સથી ભરેલું હતું, તમામ પ્રોજેક્ટ પર રોક લગાવવામાં આવી હતી,’ ખાસ કરીને સિંચાઈ અને નાગપુર-મુંબઈ સમૃદ્ધિ હાઈવેમાં આવેલા અવરોધોનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

ભાજપ અને અવિભાજિત શિવસેનાએ 2019ની વિધાનસભા ચૂંટણી યુતિમાં લડી હતી, પરંતુ બાદમાં શિવસેનાએ અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાન પદ વહેંચવાની માંગ કરી હતી. આનાથી મડાગાંઠ સર્જાઈ અને બાદમાં, શિવસેનાએ એમવીએ ગઠબંધન બનાવવા માટે કોંગ્રેસ અને અવિભાજિત એનસીપી સાથે હાથ મિલાવ્યા હતા.

એમવીએ સરકારના વરિષ્ઠ પ્રધાનોમાંના એક શિંદેએ 2022 માં બળવો કર્યો હતો અને ભાજપના સમર્થનથી મુખ્ય પ્રધાન બન્યા હતા.

આ પણ વાંચો : Assembly Election: પરિણાણો અંગે છગન ભુજબળે કર્યો મોટો દાવો પણ યોગીના નારાથી રાખ્યું અંતર, જાણો કેમ?

મુખ્ય પ્રધાને એવા આરોપોને નકારી કાઢ્યા હતા કે મહાયુતિ ‘બટેંગે તો કટંગે’ (વિભાજીત થશો, તો નાશ પામશો)જેવા નારાઓ સાથે ભાગલાવાદી રાજકારણનો પ્રયાસ કરી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘એક હૈં તો સેફ હૈં’. તેમણે ક્યાં ભાગલા પાડ્યા છે? કોંગ્રેસ બ્રિટિશ સ્ટાઈલના ભાગલા પાડો અને રાજ કરોનો ઉપયોગ કરી રહી છે,’ એવો દાવો તેમણે કર્યો હતો.

‘અમે એમ નથી કહેતા કે હિંદુઓએ મુસ્લિમો સામે એકઠા થવું જોઈએ. આ લોકો (એમવીએ) અમુક જૂથોને ડરાવીને અને રાજકીય લાભ ઉઠાવીને તેમનું રાજકારણ ચલાવે છે,’ એમ શિંદેએ કહ્યું હતું.

તેમણે જાતિવાદને પ્રોત્સાહન આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે એમવીએ આ વર્ષની શરૂઆતમાં લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન અનામતના લાભો છીનવી લેવા વિશે ફેક નેરેટિવ ચલાવી રહી હતી, પરંતુ રાજ્યની ચૂંટણીઓ સ્થાનિક મુદ્દાઓ પર લડવામાં આવે છે.

‘રાહુલ ગાંધી સમજી શકતા નથી કે રાજ્યની ચૂંટણી દરમિયાન, બંધારણના મુદ્દાઓ પર નહીં, પરંતુ વ્યવહારિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે,’ એમ તેમણે કહ્યું હતું.

શિંદેએ શિવસેના (યુબીટી)ના વડા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા, તેમના પર લોકો માટે કામ કરવાને બદલે માત્ર વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવાનો આરોપ લગાવ્યો.

તેમણે ઠાકરેના તાજેતરના આરોપને ફગાવી દીધો કે કેન્દ્ર સરકાર મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગે છે,
‘તેમની પાસે કહેવા માટે બીજું કંઈ નથી. તેઓએ રસ્તાઓ પરના ખાડાઓનું સમારકામ કર્યું નથી. અમે મુંબઈની સુધારણા માટે કામ કર્યું છે. અમે એવા મુદ્દાઓ ઉકેલ્યા હતા, જેને ક્યારેય ઉકેલવામાં આવ્યા નહોતા,’ એમ તેમણે કહ્યું હતું.

મુખ્ય પ્રધાને મરાઠા ક્વોટાના મુદ્દાને તેમની સરકાર દ્વારા હેન્ડલ કરવાનો બચાવ કરતાં કહ્યું હતું કે ‘અમે મરાઠાઓને ન્યાય આપવાના પક્ષમાં છીએ. અમે વિશેષ સત્ર બોલાવ્યું અને 10 ટકા આરક્ષણ આપ્યું. અમે નથી ઈચ્છતા કે અન્ય સમુદાયો પ્રભાવિત થાય.’

શિંદેએ વધુમાં જણાવ્યું હતું કે લાડકી બહેન યોજના, જેમાં 1,500 રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવે છે, તેણે મહિલાઓને ટેકો પૂરો પાડ્યો છે અને તેમને સ્વતંત્રતાની ઓફર કરી છે.

આ પણ વાંચો : કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ BJP-RSSને ગણાવ્યા ઝેરી સાપ! કહ્યું કે તેમને મારી નાખો…

એમવીએ દ્વારા મહિલાઓને દર મહિને રૂ. 3,000 આપવાની ખાતરી પર, મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, ‘એમવીએએ પહેલાં અમારી છબીને કલંકિત કરી અને કોર્ટમાં ગઈ. મારી બહેનો જાણે છે કે તેઓ આ ગેરેન્ટીનો અમલ નહીં કરે.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button