Assembly Election: ફરી અજિત પવાર બોલ્યા ‘આના’ કારણે લોકસભાની ચૂંટણીમાં થયું નુકસાન
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિને કાંદાનું ઉત્પાદન કરતા પ્રદેશોમાં હાર સહન કરવી પડી હતી, કારણ કે કાંદાની નિકાસ પર મૂકાયેલા પ્રતિબંધને કારણે લોકો નારાજ હતા, એમ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું.
‘તે તમારો અધિકાર છે અને હું તમારો અનાદર કરવા નથી ઇચ્છતો. હું તમને જવાબદાર પણ નથી ઠેરવી રહ્યો. અમે કાંદા પરની નિકાસ હટાવવામાં મોડા પડ્યા અને તેના પરિણામ અમને ભોગવવા પડ્યા’, એમ અજિત પવારે નાસિક જિલ્લામાં જણાવ્યું હતું.
નાસિક પ્રાંતમાં અમને ત્રણ બેઠકો ગુમાવવી પડી, જ્યારે અહેમદનગર ગ્રામીણ, પુણે અને સોલાપુરમાં બે બેઠકો ગુમાવી હતી. આ તમામ પ્રદેશમાં કાંદાનો પાક લેવાય છે અને ત્યાં અમારી હાર થઇ. આ બાબતે અમને પછીથી ખબર પડી, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : મુંબઈ-નાસિક હાઇવેની ૧૦ દિવસમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલો, નહીં તોઃ પવારની ચેતવણી
અહીં એ જણાવવાનું કે 14મી જૂને અજિત પવારે ખેડૂતોની નારાજગીને કારણે લોકસભાની ચૂંટણીમાં મહાયુતિને ફટકો પડ્યો હોવાનું કહ્યું હતું. ફરી એક વાર આ જ વાતનું પુનરાવર્તન કરીને અજિત પવારે મહાયુતિમાં પરસ્પર ખેંચાખેંચી હોવાનું પુરવાર થાય છે, એમ વર્તુળે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છ કે મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮ બેઠકમાંથી ફક્ત ૧૭ બેઠક મહાયુતિએ મેળવી હતી, જ્યારે વિપક્ષ મહાયુતિએ ૩૦ બેઠક કબજે કરી હતી. રાજ્યના કાંદાનો પાક લેતા પ્રદેશોમાં લોકસભાની ચૂંટણીઓ યોજાઇ હતી તેના થોડા દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે કાંદાના નિકાસ પરનો પ્રતિબંધ દૂર કર્યો હતો. મહારાષ્ટ્રના અનેક પ્રકલ્પો રાજ્ય બહાર લઇ જવામાં આવી રહ્યા છે એવા આક્ષેપો માટે અજિત પવારે વિપક્ષની ઝાટકણી કાઢી હતી.
(પીટીઆઇ)