આમચી મુંબઈ

અશોક ચવ્હાણનું રાજીનામું

ભાજપનું ઓપરેશન લૉટસ – મહાવિકાસ આઘાડી વેરવિખેર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ભાજપના ઓપરેશન `લૉટસ’ને કારણે મહાવિકાસ આઘાડી (એમવીએ) પડી ભાંગવાના આરે આવી ગઇ છે. શિવસેના અને એનસીપીના બે જૂથ બન્યા ત્યાર બાદ હવે કોંગ્રેસમાં પણ ભંગાણ પડવાની શરૂઆત થઇ ગઇ છે. કોંગ્રેસના નેતા મિલિંદ દેવરા, બાબા સિદ્ધિકી બાદ હવે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે પણ કોંગ્રેસને રામરામ કહી દીધા છે. ચવ્હાણ પણ ભાજપમાં જોડાય એવી અટકળો રાજકીય વર્તુળોમાં વહેતી થઇ ગઇ છે. આ સિવાય કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ભાજપના નેતૃત્વ હેઠળની ટ્રિપલ એન્જિનની સરકારમાં સામેલ થવાની શક્યતા છે. તેથી મહાવિકાસ આઘાડીના ભાવિ સામે પ્રશ્ન ઊભો થયો છે. બે દિવસમાં પક્ષનો વિકલ્પ નક્કી કરવામાં આવશે એવું ચવ્હાણનું કહેવું છે, પણ તેઓ ભાજપમાં જ પ્રવેશ કરશે એવો દાવો મહાવિકાસ આઘાડીના નેતાઓ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 15મી ફેબ્રુઆરીએ મુંબઈની મુલાકાતે આવવાના છે ત્યારે ચિત્ર સ્પષ્ટ થઇ શકે છે.

શિવસેના-એનસીપીમાં ભંગાણ બાદ
હવે કૉંગ્રેસનો વારો
હવે નવા વિકલ્પની શોધ: ચવ્હાણ
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપવા પાછળના કારણ વિશે પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે હું આગામી બે દિવસમાં નક્કી કરીશ કે મારે શું કરવું છે. મેં જીવનભર કૉંગ્રેસ માટે કામ કર્યું છે અને હવે હું વિકલ્પ શોધી રહ્યો છું. મેં કૉંગ્રેસની પ્રાથમિક સદસ્યતાથી, વર્કિંગ કમિટીમાંથી અને વિધાનસભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. મેં હાલ કોઇ પક્ષમાં સામેલ થવાનો નિર્ણય લીધો નથી. મારી કોઇપણ કૉંગ્રેસી વિધાનસભ્ય કે પછી નેતા સાથે વાતચીત થઇ નથી. હું પાર્ટીના મુદ્દાઓ વિશે જાહેરમાં ચર્ચા નહીં કરું. વડા પ્રધાનના શ્વેત પત્ર અને મારા રાજીનામાને કંઇપણ સંબંધ નથી.
તેમણે કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ નાના પટોલેને પોતાનું રાજીનામું મોકલાવી દીધું છે અને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલના બાયોમાંથી પણ કૉંગ્રેસ પક્ષના દરેક પદભારનો ઉલ્લેખ કાઢી નાખ્યો છે.
ચવ્હાણના નિર્ણયથી આઘાત, કૉંગ્રેસ બેઠક યોજશે: પૃથ્વીરાજ ચવ્હાણ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા કૉંગ્રેસના મોટા નેતા એવા પૃથ્વીરાજ ચવ્હાણે અશોક ચવ્હાણના નિર્ણય વિશે પોતાના વિચારો રજૂ કરતા કહ્યું હતું કે હું અશોક ચવ્હાણના નિર્ણયથી આઘાતમાં છું. તેઓ ક્યારેય પાર્ટી છોડશે એવું વિચાર્યું નહોતું. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. એવું તે શું બન્યું અને ક્યાં કારણોસર તેમણે પક્ષ છોડવાનો નિર્ણય લેવો પડ્યો એ વિશે હું અજાણ છું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અશોક ચવ્હાણ સાથે અન્ય પદાધિકારીઓ અને વિધાનસભ્યો પણ કૉંગ્રેસ છોડી રહ્યા છે. પણ એ સત્ય નથી. ભાજપ ફક્ત અફવા ફેલાવી રહ્યો છે. આ મુદ્દે ચર્ચા માટે અમે આવતીકાલે(મંગળવારે) મુંબઈમાં બેઠક યોજી છે અને બધા મુંબઈ આવી રહ્યા છે.
પ્રણિતી શિંદે-વિશ્વજીત કદમના રાજીનામાની અફવા
અશોક ચવ્હાણના રાજીનામા બાદ કૉંગ્રેસના અન્ય વિધાનસભ્યો પણ કૉંગ્રેસ છોડશે એવી ચર્ચા વચ્ચે ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદેના પુત્રી તેમ જ કૉંગ્રેસના વિધાનસભ્ય પ્રણિતી શિંદે અને સ્વર્ગીય પતંગરાવ કદમના પુત્ર તેમ જ કૉંગ્રેસી વિધાનસભ્ય વિશ્વજીત કદમના રાજીનામાની અફવા પણ ઊડી હતી. જોકે, વિશ્વજીતે આ અફવાને ફગાવી પોતે રાજીનામું ન આપ્યું હોવાનું સ્પષ્ટ કર્યું હતું. જ્યારે પ્રણિતી કદમે ભાજપ આવી અફવા ઉડાવીને માઇન્ડ ગેમ્સ રમતી હોવાનું કહી ભાજપની ટીકા કરી હતી.
ભાજપ રાજ્યસભામાં સાંસદ બનાવે તેવી અટકળો
હજી સુધી અશોક ચવ્હાણે તે ક્યા પક્ષમાં સામેલ થવાના છે તે સ્પષ્ટ કર્યું નથી. પણ રાજકીય ખેમાઓમાં વિવિધ અટકળોનો દોર શરૂ થઇ ગયો છે. તેઓ ભાજપમાં સામેલ થશે અને આગામી રાજ્યસભા ચૂંટણીમાં તેમને રાજ્યસભાના સાંસદ બનાવવાની હિલચાલ કરવામાં આવશે, એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ જ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે બધા જ પક્ષો પોતાના ઉમેદવારો તૈયાર કરી રહ્યા છે.
ખરેખર આઘાતજનક: વિજય વડેટ્ટીવાર
મહારાષ્ટ્ર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે ચવ્હાણના રાજીનામાને આઘાતજનક ગણાવતા કહ્યું હતું કે આ સમાચાર અમને આઘાત આપનારા છે. તેમણે અચાનક આ પગલું કેમ લીધું તે અમે સમજી શકતા નથી. 2007થી મારા અને અશોક ચવ્હાણના ખૂબ જ નજીકના સંબંધ રહ્યા છે. તેમની સાથે સાથે હું પણ જઇશ એવી ચર્ચાઓ થઇ રહી હતી. પણ તેમાં કોઇ તથ્ય નથી. હું માત્ર મારો મતવિસ્તાર-બેઠક બદલી રહ્યો છું.
અમરનાથ રાજૂરકર, જગદીશ આમીનના પણ કૉંગ્રેસને જય મહારાષ્ટ્ર
ભૂતપૂર્વ વિધાનસભ્ય અમરનાથ રાજૂરકર તેમ જ કૉંગ્રેસના ઉમેદવાર જગદીશ આમીન કુટ્ટીએ પણ કૉંગ્રેસમાં પોતાના પદેથી રાજીનામાં આપી દીધાં છે. કૉંગ્રેસના ભૂતપૂર્વ નગરસેવક જગદીશ આમીને ભાજપમાં પ્રવેશ કર્યો હોવાના અહેવાલો પણ પ્રસાર માધ્યમોમાં ફરતા થયા હતા. કૉંગ્રેસના ભૂતપૂર્વ નગરસેવક રાજેન્દ્ર દત્તાત્રેય નરવણકર પણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા.
ભાજપમાં આત્મવિશ્વાસનો અભાવ, નેતાઓ ફોડે છે : ઉદ્ધવ ઠાકરે
જોકે, વિપક્ષ અશોક ચવ્હાણના નિર્ણયથી છંછેડાયેલો હોઇ તે પણ સ્વાભાવિક છે. ઉદ્ધવ ઠાકરેએ અશોક ચવ્હાણે લીધેલા નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપમાં આત્મવિશ્વાસ ન હોવાના કારણે તે વિપક્ષને તોડી રહ્યો છે. અશોક ચવ્હાણ પણ આશ્ચર્ય પમાડે તેવા છે. અત્યાર સુધી બેઠકોની વહેંચણીની બેઠકોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહ્યા હતા. હવે આજે અચાનક શું થયું તે ખબર નથી પડતી.
મિલીંદ દેવરા, બાબા સિદ્દીકી બાદ કૉંગ્રેસને ચવ્હાણનો મોટો ઝટકો
લોકસભાની ચૂંટણી યોજાય તે પૂર્વે વિપક્ષની હાલત ખસ્તા થઇ રહી છે તે તેમના દિગ્ગજ નેતાઓની એક્ઝિટથી જણાઇ રહ્યું છે. મહારાષ્ટ્રના પ્રધાન રહી ચૂકેલા દક્ષિણ મુંબઇના સાંસદ મિલીંદ દેવરાએ આ પહેલા કૉંગ્રેસને રામ રામ કહ્યા અને એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા. ત્યારબાદ રવિવારે બાબા સિદ્દીકી,જે કૉંગ્રેસના કદાવર નેતા ગણાતા તેમ જ બાંદ્રા મતવિસ્તારમાં લઘુમતી મત મેળવવા માટે મહત્ત્વપૂર્ણ ટ્રમ્પ કાર્ડ ગણાતા તેમણે પણ કૉંગ્રેસને અલવિદા કહીને અજિત પવારની એનસીપીમાં જોડાયા. એટલે વિપક્ષ ચૂંટણી ટાણે જ મહત્ત્વના નેતા પોતાના હાથમાંથી ગુમાવી રહી હોવાનું ચિત્ર તૈયાર થયું છે.
કૉંગ્રેસનું ચૂંટણી ચિન્હ જશે?
હજી સુધી ચવ્હાણે તે ભવિષ્યમાં ક્યા પક્ષમાં જોડાશે તે વિશે ફોડ પાડ્યો નથી એવામાં ઉદ્ધવ જૂથની શિવસેનાના રાજ્યસભા સાંસદ તેમ જ પ્રવક્તા સંજય રાઉતે પહેલાથી જ ભવિષ્ય ભાખ્યું છે. તેમણે કહ્યું છે કે અશોક ચવ્હાણ ભાજપના સભ્ય બની ગયા છે. મને વિશ્વાસ નથી થઇ રહ્યો. કાલ સુધી તે ચર્ચાઓમાં સાથે હતા. હવે આજે ચાલ્યા ગયા? શું હવે તે પણ ચૂંટણી ચિન્હ માટે એકનાથ શિંદે અને અજિત પવારની જેમ કૉંગ્રેસ પર દાવો કરશે?
ચવ્હાણ તો થયા ભાજપ ભેગા: સંજય રાઉતનો દાવો
મુંબઈ: લોકસભાની ચૂંટણી બારણે છે ત્યારે એક પછી એક ઝાટકા કૉંગ્રેસના માત્ર રાષ્ટ્રીય કક્ષાએ જ નહીં, પણ મહારાષ્ટ્રમાં પણ લાગી રહ્યા છે. દિગ્ગજ નેતા મિલીંદ દેવરા અને બાબા સિદ્દીકીએ કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો ત્યારબાદ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અશોક ચવ્હાણે પણ સોમવારે કૉંગ્રેસને અલવિદા કહી દેતા મહારાષ્ટ્રનું રાજકારણ વધુ ગરમાયું છે.
અશોક ચવ્હાણ હવે ભાજપમાં સામેલ થઇ ગયા છે, એવો દાવો ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કરતા વિવિધ અટકળો વહેતી થઇ છે. તેમણે કૉંગ્રેસની પ્રાથમિક સદસ્યતાથી પણ રાજીનામું આપી દીધું છે. જોકે, હજી સુધી તેમણે બીજા કોઇ પક્ષમાં સામેલ થવા વિશે સત્તાવાર જાહેરાત કરી નથી. તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા પોતે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજે કૉંગ્રેસ સાથે સંપૂર્ણપણે સંબંધ તૂટી ગયો છે.

તેમણે પ્રાથમિક સદસ્યતા ઉપરાંત કૉંગ્રેસ વર્કિંગ કમિટીમાંથી પણ રાજીનામું આપ્યું હતું. પોતે વિધાનસભ્ય તરીકે પણ રાજીનામું આપી દીધું હોવાની જાણકારી આપતા પોતાના ભવિષ્યના નિર્ણય વિશે તેમણે કહ્યું હતું કે હજી સુધી મેં કોઇપણ બીજા પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી. ભવિષ્યમાં શું કરવું હું એ નક્કી કરીશ.

“આગે આગે દેખો હોતા હૈ ક્યા”: ફડણવીસ

અશોક ચવ્હાણના રાજીનામા વિશે વાત સાંભળ્યા બાદ ભાજપના નેતા તેમ જ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મેં મીડિયા પાસેથી અશોક ચવ્હાણ વિશે સાંભળ્યું છે. પણ અત્યારે હું ફક્ત એટલું કહી શકું કે કૉંગ્રેસના ઘણા નેતાઓ ભાજપના સંપર્કમાં છે. જનતા સાથે જોડાયેલા નેતાઓ કૉંગ્રેસમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે. મને વિશ્વાસ છે કે કૉંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ આગળ જઇને અમારી સાથે જોડાશે. આગે આગે દેખો હોતા હૈ ક્યા. ઉ

નાર્વેકર સાથે શું થઇ ચર્ચા?

અશોક ચવ્હાણ ભાજપમાં જોડાશે એવી ચર્ચા શરૂ થઇ છે અને સંજય રાઉતે પણ એવો દાવો કર્યો છે. એવામાં અશોક ચવ્હાણે રાહુલ નાર્વેકર સાથે સવારે મુલાકાત કરી ત્યારબાદ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું એટલે આ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. નાર્વેકર સાથે એવી તે શું ચર્ચા થઇ કે કૉંગ્રેસ સાથે છેડો ફાડવાનો નિર્ણય ચવ્હાણે લીધો એ વિશે લોકોને કુતૂહલ છે. હવે તે ભાજપમાં જોડાશે, અજિત પવાર જૂથની એનસીપીમાં કે પછી એકનાથ શિંદેની શિવસેનામાં, એ વિશે તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.ઉ

આદર્શ કૌભાંડને કારણે મુખ્ય પ્રધાનપદ ગુમાવ્યું

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અશોક ચવ્હાણે કૉંગ્રેસમાંથી પોતાનું રાજીનામું આપ્યું ત્યારબાદ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળમાં તેમની જ ચર્ચા થઇ રહી છે અને તેમનો ભૂતકાળ પણ ચર્ચાસ્પદ રહ્યો છે. અશોક ચવ્હાણ આઠમી ડિસેમ્બર 2008થી નવમી નવેમ્બર 2010 સુધી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહ્યા હતા. તેમને બહુચર્ચિત આદર્શ કૌભાંડના કારણે પોતાની ખુરશી ગુમાવવી પડી હતી. વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે પણ તેમણે કેબિનેટમાં મહત્ત્વના ખાતાઓ સંભાળ્યા હતા. તેઓ નાંદેડથી ત્રણ વખત વિધાનસભ્ય અને ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમની રાજકીય કારકિર્દી અનેક સફળતાઓથી ભરેલી હતી. પણ કારગિલ યુદ્ધના શહીદો માટે મુંબઈના મોંઘાદાટ કોલાબા વિસ્તારમાં બનાવવામાં આવેેલી આદર્શ હાઉસિંગ સોસાયટીનું કૌભાંડ બહાર આવતા રાજકીય ખેમામાં ખળભળાટ મચી ગયો હતો અને તેના કારણે આખરે અશોક ચવ્હાણે રાજીનામું આપવું પડ્યું હતું.

કૉંગ્રેસના અન્ય નેતાઓ પણ ભાજપના સંપર્કમાં?
અશોક ચવ્હાણ કૉંગ્રેસના અનેક વિધાનસભ્યોના સંપર્કમાં છે અને આ વિધાનસભ્યો પણ કૉંગ્રેસની સાથે છેડો ફાડી શકે એવી ચર્ચા શરૂ છે. હવે જો કાર્યરત વિધાનસભ્યો પણ ચાલતી પકડે, તો કૉંગ્રેસ અને સાથી પક્ષો માટે મોટી મુશ્કેલી ઊભી થઇ શકે એમ છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button