હવાની ગુણવત્તા બગડતાં મુંબઈગરાઓ ઉપર બીમારીઓનું સંકટ વધ્યું
મુંબઈ: મુંબઈમાં છેલ્લા અનેક દિવસોથી હવાની ગુણવત્તા ખરાબ થઈ રહી છે. હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી જવાને લીધે નાગરિકોના સ્વાસ્થ્ય પર તેની અસરો જોવા મળી રહી છે.
મુંબઈ મહાનગરપાલિકાએ પણ ધૂળના કણો અને ધુમ્મસના કારણે બગડતી હવાને નિયંત્રણમાં લાવવા અનેક નિયમો જારી કર્યા છે. પણ દિવસેને દિવસે બગડતી હવા અને વાતાવરણને લીધે મુંબઈમાં બાળકોથી લઈને વૃદ્ધોમાં શરદી અને ગળામાં દુખાવા જેવા લક્ષણો દેખાઈ રહ્યા છે.
મુંબઈમાં સતત બદલાતા હવામાનની અસર શહેરના હવાની ગુણવત્તા પર થઈ રહી છે. મુંબઈ મહાનગરપાલિકાની નાક, કાન અને ગળાની હૉસ્પિટલમાં ગળામાં દુખાવો અને શરદી થવાના દર્દીઓની સંખ્યામાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો થયો છે.
હૉસ્પિટલ પ્રશાસને આપેલી માહિતી મુજબ છેલ્લા ૨૦ થી ૨૫ દિવસમાં કેસોમાં વધારો જોવા મળ્યો છે. જારી કરેલા ડેટા અનુસાર જે. જે. હૉસ્પિટલમાં છેલ્લા ૧૫ દિવસોમાં શરદી અને ગળાના દુખાવાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. અને માત્ર જે.જે. હૉસ્પિટલમાં સમાન લક્ષણો જાણતા કેસોમાં ૨૫ ટકા જેટલો વધારો થયો છે.