અર્નાળામાં પ્રોફેસરનાં વૃદ્ધ માતા-પિતા, બહેન પર કોયતાથી હુમલો કરનારા યુવકની ધરપકડ

માથે દેવુ વધી જતાં ચોરીને ઇરાદે ગુનો આચર્યાની આરોપીની કબૂલાત
પાલઘર: વિરાર નજીકના અર્નાળામાં બંદરપાડા ખાતે ઘરમાં ઘૂસીને પ્રોફેસરનાં વૃદ્ધ માતા-પિતા અને બહેન પર કોયતાથી હુમલો કરનારા 29 વર્ષના યુવકને ક્રાઇમ બ્રાન્ચે 72 કલાકમાં ઝડપી પાડીને લોકઅપભેગો કરી દીધો હતો. માથે દેવું વધી જવાથી ચોરીને ઇરાદે ગુનો આચર્યો હોવાની કબૂલાત આરોપીએ પોલીસ સમક્ષ કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-3 (વિરાર)ના અધિકારીઓએ ઝડપી પાડેલા યુવકની ઓળખ દીપેશ અશોક નાઇક તરીકે થઇ હોઇ તે અર્નાળાના બંદરપાડા ખાતે રહે છે. આરોપીને વધુ તપાસ માટે અર્નાળા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
અર્નાળાના બંદરપાડા ખાતે 6 ઑક્ટોબરે મળસકે ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. અહીં પત્ની લીલા ગોવારી (72) અને પુત્રી નેત્રા ગોવારી (52) સાથે રહેતા જગન્નાથ ગોવારી (76)ના ઘરમાં મળસકે અજાણ્યો યુવક ઘૂસી આવ્યો હતો અને અંદર સૂતેલાં ત્રણેય જણ પર તેણે કોયતાથી હુમલો કર્યો હતો. ઘવાયેલા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા બાદ અર્નાળા પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી હતી.
આ પણ વાંચો: અર્નાળામાં પ્રોફેસરનાં વૃદ્ધ માતા-પિતા, બહેનપર હુમલો કરી લૂંટારુઓએ ઘરમાં લૂંટ ચલાવી
દરમિયાન આ કેસની સમાંતર તપાસ કરી રહેલા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ કેટલાક શકમંદોની પૂછપરછ કરી હતી અને ત્યાર બાદ મળેલી માહિતીને આધારે ગુનામાં સંડોવાયેલા આરોપી દીપેશ અશોક નાઇકને તાબામાં લીધો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે જગન્નાથ ગોવારીનો પુત્ર સચિન ગોવારી વિરારમાં ખાનગી કોચિંગ ક્લાસીસ ચલાવે છે અને પત્ની તથા સંતાન સાથે અગાશી વિસ્તારમાં રહે છે.