આમચી મુંબઈ

પાલઘરમાં માટી ધસી પડતાં દટાયેલા એક્સકેવેટર ઓપરેટરને શોધવા લશ્કર અને નૌકાદળ જોડાયું

પાલઘર: પાલઘર જિલ્લામાં વોટર પ્રોજેક્ટની સાઇટ પર માટી ધસી પડવાથી મશીન સાથે દટાયેલા એક્સકેવેટર ઓપરેટરને શોધવા માટે હવે કોસ્ટ ગાર્ડ, લશ્કર તેમ જ નૌકાદળ પણ જોડાયું છે, એમ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું.

સાસુન નવઘર ગામમાં સૂર્યા પ્રોજેક્ટ સાઇટ ખાતે 29 મેની રાતે ટનલ શાફ્ટ પર કામ ચાલી રહ્યું હતું ત્યારે માટી તથા દીવાલનું માળખું ધસી પડતાં એક્સકેવેટર ઓપરેટર રાકેશ યાદવ તેમાં દટાયો હતો. આ ઘટના બાદ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમ તેમ જ વિવિધ રેસ્ક્યુ ટીમો બચાવ કામગીરીમાં જોડાઇ હતી. જોકે ન તો ઓપરેટર મળી આવ્યો હતો, ન તો મશીન નજરે પડ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાન શિંદેએ શુક્રવારે એમએમઆરડીએના કમિશનર ડો. સંજય મુખરજી અને પાલઘરના કલેક્ટર ગોવિંદ બોડકે સાથે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. શિંદેએ જણાવ્યું હતું કે સૂર્યા પાઇપલાઇન પ્રોજેક્ટ પર કામ કરતી વખતે રાકેશ યાદવ માટી ધસી પડતાં દટાયો હતો. સ્થાનિક ટીમો અને એનડીઆરએફ સાથે હવે ભારતીય લશ્કર અને નૌકાદળ પણ બચાવકાર્યમાં જોડાયું છે.

મુખ્ય પ્રધાને યાદવના પરિવારજનોને રૂ. 50 લાખના વળતરની જાહેરાત કરી છે અને પરિવારના એક સભ્યને નોકરીની ખાતરી આપી છે. તેમણે દુર્ઘટનાની તપાસનો પણ આદેશ આપ્યો છે. શિંદેએ જણાવ્યું હતું કે પરિસ્થિતિની જટિલતાને ધ્યાનમાં રાખી વીરમાતા જીજાબાઇ ટેક્નોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (વીજેટીઆઇ)ના પ્રોફેસરો બચાવકાર્ય પર નજર રાખશે. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button