આમચી મુંબઈમહારાષ્ટ્ર

આર્થિક પાટનગરમાં આર્મ્સ લાઈસન્સ આપવાના નિયમો છે સખત, પણ શું હોય છે પ્રક્રિયા?

મુંબઈ: શિવસેના ઉદ્ધવ જૂથ (UBT)ના નગરસેવક અભિષેક ઘોસાળકરની હત્યાથી રાજ્યમાં શાસ્ત્ર લાઈસન્સને લઈને પ્રશ્નો નિર્માણ થઈ રહ્યા છે. ઘોસાળકરની હત્યા મામલે વધુ તપાસ કરતાં આ ઘટનાના આરોપી મોરિસ નોરોન્હા દ્વારા વાપરવામાં આવેલી પિસ્તોલનું લાઇસન્સ ઉત્તર પ્રદેશ (UP) પોલીસે આપ્યું હતું અને આ લાઇસન્સ મોરિસના બોડીગાર્ડ અમરેન્દ્ર મિશ્રાના નામે હોવાનું સામે આવ્યું હતું.

ઘોસાળકરની હત્યા કર્યા પછી મોરિસે પોતાને પણ ગોળી મારી આપઘાત કર્યો હતો, જેથી આ મામલે લાઇસન્સવાળી પિસ્તોલનો દુરુપયોગ થવા બદલ બોડીગાર્ડ અમરેન્દ્ર મિશ્રાનાની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ માટે ધરપકડ કરવામાં આવી છે. જોકે, મુંબઈમાં શસ્ત્ર માટે લાઇસન્સ કઈ રીતે મળે એ અગે પોલીસ અધિકારીએ મહત્ત્વની માહિતી આપી હતી.
કોઈ પણ વ્યક્તિને લાઇસન્સ આપતી વખતે પોલીસ તપાસ કરે છે કે તે વ્યક્તિના જીવને કેટલું જોખમ છે. ધમકીભર્યા ફોન કૉલ્સ કે કોઈ તપાસ યંત્રણાને ગુપ્ત માહિતી મળતા પણ વ્યક્તિને બંદૂક રાખવાનું લાઇસન્સ આપવામાં આવે છે. અનેક વખત મોટા વેપારી કે બિઝનેસમેનને પણ જોખમના આધારે લાઇસન્સ આપે છે. આર્મ્સ લાઇસન્સ માટે પોલીસના અધિકારીઓ પણ અરજી કરે છે. તેના પછી આ એપ્લિકેશન પોલીસ કમિશનર પાસે મોકલી તેની આખી તપાસ કરતાં બાદ ડીસીપી હેડ કવાર્ટરને મોકલે છે અને પછી આ અરજી લાઇસન્સ બ્રાન્ચને આપવામાં આવે છે.

શસ્ત્ર માટે અરજદારે કરેલી અરજીને લાઇસન્સ બ્રાન્ચ તે વિસ્તારના એડિશનલ સીપીને આપી આ અરજી આગળ ડીસીપી પાસે જઈને પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇને ફોરવર્ડ કરે છે. સિનિયર પીઆઇ પછી આ અરજીને ઇન્ટેલિજન્સ ઈન્પુટને આધારે એક રિપોર્ટ બનાવીને રિપોર્ટ કમિશનરની ઓફિસ મોકલે છે. આ રિપોર્ટની તાપસ કરીને અરજદારને લાઇસન્સ આપવું કે નહીં તેનો નિર્ણય કરે છે. જોકે આ પ્રક્રિયા માત્ર મુંબઈ જેવા મોટા શહેરોમાં જ કરવામાં આવે છે અને કોઈ નાના શહેરમાં પોલીસ અધિકારી નિર્ણય લઈને શસ્ત્ર લાઇસન્સ આપી શકે છે.

ભારતના કાયદા મુજબ શસ્ત્ર રાખવા માટે બે પ્રકારના લાઇસન્સ આપવામાં આવે છે. આ લાઇસન્સમાં એક ઓલ ઈન્ડિયા લાઇસન્સ અને બીજું ટૂરિસ્ટ લાઇસન્સ (પ્રવાસી લાઇસન્સ)નો સમાવેશ છે. ટુરિસ્ટ લાઇસન્સમાં લોકલ લાઇસન્સ ધરાવતા વ્યક્તિને શહેરની બહાર હથિયાર લઈ જવા માટે પોલીસ પાસે એક ખાસ અરજી કરવી પડે છે અને તેના પછી પોલીસ થોડા દિવસો માટે હથિયારને પોતાની સાથે કૅરી કરવાની પરવાનગી આપે છે તેમ જ ઓલ ઈન્ડિયા લાઇસન્સમાં લાઇસન્સ ધરાવતા વ્યક્તિ જો બીજા રાજ્યમાં હંમેશાં માટે કે થોડા મહિના માટે રહેવાની છે તો તેણે વિસ્તારના ડીસીપી હેડ ક્વાર્ટર (વન)માં જાણ કરવી પડે છે.

નિવૃત્ત પોલીસ અધિકારીને પણ મળે છે લાઇસન્સ
પોલીસ દળમાં લાંબા સામે સુધી પોતાની ફરજ બજાવ્યા બાદ પોલીસ કર્મી પણ પ્રશાસન પાસે હથિયાર રાખવાં માટે અરજી કરી શકે છે. પોલીસ દ્વારા જે લાઇસન્સ આપવામાં આવે છે તે એમએમઆર હેઠળ કાયદેસર હોય છે. પહેલા આ લાઇસન્સ એક વર્ષ માટે કાયદેસર હતું અને એક વર્ષ બાદ રિન્યૂ કરાવવું પડતું હતું, જેને બદલીને ત્રણ વર્ષ કરવામાં આવ્યું છે. મુંબઈ જેવા મોત શહેરોમાં આર્મ્સ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ હોય છે પણ બીજા અનેક વિસ્તારમાં લાઇસન્સ સરળતાથી મળી જાય છે અને તેનો દુરુપયોગ થાય છે, એવું અધિકારીએ કહ્યું હતું.

મૌરિસ સામે અનેક પ્રકારના ગુનાઓ નોંધવામાં આવ્યા હતા એટલે તેને હથિયારનું લાઇસન્સ આપવામાં આવ્યું નહોતું. એટલે મોરિસે તેના બોડીગાર્ડના નામથી મુંબઇને બદલે યુપીમાંથી લાઇસન્સ મેળવી પિસ્તોલનો ઉપયોગ પોતાની માટે કરતો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button