આમચી મુંબઈ

એક્યુઆઈ ૪૭ – મુંબઈગરાએ લીધો શુદ્ધ શ્ર્વાસ

મુંબઈમાં છૂટોછવાયો વરસાદ, થાણે-પાલઘર, રાયગઢમાં મંગળ-બુધ ઓરેન્જ એલર્ટ

મુંબઈમાં સોમવારે પણ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. (જયપ્રકાશ કેળકર)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં રવિવારે પડેલા વરસાદને કારણે વાતાવરણમાં રહેલું પ્રદૂષણ અને ધૂળ ધોવાઈ ગયા હતા અને તેને કારણે હવાની ગુણવત્તામાં સુધારો આવ્યો હતો. લાંબા સમય બાદ મુંબઈગરાએ શ્ર્વાસમાં શુદ્ધ હવા લીધી હતી. સોમવારે મુંબઈનો સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૪૭ નોંધાયો હતો, જે સારી શ્રેણીમાં આવે છે.
નિષ્ણાતોના કહેવા મુજબ આ વર્ષે ચોમાસા બાદ પહેલી વખત મુંબઈનો એક્યુઆઈ આટલો નીચો ૪૭ જેટલો એટલે ‘ગુડ’ શ્રેણીમાં નોંધાયો હતો. આ અગાઉ ચોમાસા દરમિયાન મુંબઈની હવાની ગુણવત્તામાં સારી રહી હતો. તો ગયા વર્ષે ૨૫ જૂનની આસપાસ મુંબઈનો સરેરાશ એક્યુઆઈ ૨૬ જેટલો નોંધાયો હતો.
છેલ્લા અનેક મહિનાથી વાતાવરણમાં રહેલા પ્રદૂષણને કારણે મુંબઈની હવા ઝેરી બની ગઈ હતી. પ્રદૂષણને મામલે મુંબઈમાં થોડા દિવસ અગાઉ પાટનગર દિલ્હીને પણ પાછળ મૂકી દીધું હતું. દિવાળી દરમિયાન ફટાકડાને કારણે પ્રદૂષણમાં હજી વધારો થયો હતો. વધતા પ્રદૂષણને નાથવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૨૭ જેટલા નિયમો સાથેની ગાઈડલાઈન બહાર પાડીને અનેક ઉપાયયોજના અમલમાં મુકી હતી, તેને કારણે છેલ્લા થોડા દિવસથી મુંબઈની હવાની ગુણવત્તા સુધરી હતી અને એક્યુઆઈ પણ ૧૦૦ની આસપાસ નોંધાયો હતો.
આ દરમિયાન મુંબઈ સહિત રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રવિવારે દિવસ દરમિયાન અને મોડી રાત બાદ સોમવાર સવારના પણ દહિસર અને થાણે જેવા વિસ્તારમાં વરસાદના હળવા ઝાપટાં પડ્યા હતા. રવિવાર સવારના ૮.૩૦ વાગ્યાથી સોમવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં કોલાબામાં છ મિ.મિ. અને સાંતાક્રુઝમાં બે મિ.મિ. જેટલો વરસાદ નોંધાયો હતો. અચાનક આવી પડેલા વરસાદને કારણે મુંબઈના વાતાવરણમાં રહેલી ધૂળ નીચે બેસી ગઈ હતી અને મુંબઈની હવાની ગુણવત્તા સુધરી હતી.
સોમવારે મુંબઈનો સરેરાશ એક્યુઆઈ ૪૭ નોંધાયો હતો. મઝગાંવનો ૨૯, વરલીનો ૨૩, બીકેસીનો ૯૬, અંધેરીનો ૪૪, ભાંડૂપનો ૨૬, મલાડનો ૩૮, બોરીવલીનો ૪૪ અને નવી મુંબઈનો એક્યુઆઈ ૩૭ નોંધાયો હતો.
કમોસમી વરસાદને મુંબઈના વાતાવરણને ચોખ્ખુ કરી દીધું હતું. જોકે સોમવાર સવારના હવામાનખાતાએ મુંબઈ, થાણે અને રાયગઢમાં હળવા વરસાદની આગાહી કરી હતી. પરંતુ એકાદ જગ્યાને બાદ કરતા કોઈ જગ્યાએ વરસાદ નોંધાયો નહોતો.
દિવસ દરમિયાન મુંબઈમાં માત્ર વાદળિયું વાતાવરણ રહ્યું હતું. તો રાજ્યમાં અમુક વિસ્તારમાં રવિવાર બાદ સોમવારે પણ વીજળીના ગડગડાટ સાથે વરસાદ રહ્યો હતો. હવામાન ખાતાના અધિકારીના કહેવા મુજબ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ અને પૂર્વીય પવનોનું જોર ઓછું થયું છે. જોકે ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં હવાના હળવા દબાણનો પટ્ટો અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ હજી પણ છે, તેને કારણે આ રિજનમાં ભારે વરસાદની શક્યતા છે. તેથી અમુક જિલ્લામાં આગામી દિવસમાં ઓરેન્જ એલર્ટ રહેશે.
હવામાન ખાતાના કહેવા મુજબ મંગળવાથી મુંબઈનું વાતાવરણ ચોખ્ખુ થશે. તો પાલઘર અને થાણે અને રાયગઢમાં ૨૮ અને ૨૯ નવેમ્બરના હળવા વરસાદના ઝાપટાં પડી શકે છે.

શનિવારે રસ્તાઓ ધોવા વપરાયું ૧૧ લાખ લિટરથી વધુ પાણી
મુંબઈ: વાયુ પ્રદૂષણ ઘટાવડા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના રસ્તાઓ અને ફૂટપાથને ધોવાનું ચાલુ કર્યું છે. તે માટે એક કિલોમીટરની પાછળ બેથી અઢી હજાર લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. શનિવારના એક જ દિવસમાં ૧૧ લાખથી વધુ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાંથી સરેરાશ સાડા ત્રણ હજાર કિલો કરતા વધુ ધૂળ નષ્ટ કરવામાં આવી હોવાનો અંદાજ પાલિકાએ વ્યક્ત કર્યો હતો.
મુંબઈના ૨૪ પ્રશાસકીય વોર્ડમાં જે વિસ્તારમાં પ્રદૂષણ અને ધૂળનું પ્રમાણ વધુ છે ત્યાંના રસ્તાઓને પાણીથી ધોઈને તેમ જ પાણીનો છંટકાવ કરીને વાતાવરણમાં રહેલી ધૂળનું પ્રમાણ ઘટાડીને મુંબઈની હવાની ગુણવત્તા સુધારવાનું કામ પાલિકાએ હાથ ધર્યું છે.
મુંબઈના ૨૪ વોર્ડમાં ૬૦ ફૂટ કરતા વધુ પહોળા રસ્તા અને ભીડભાડ વધુ હોય તેવી ફૂટપાથને ધોવામાં આવી રહ્યા છે. મુંબઈમાં લગભગ ૨,૦૫૦ કિલોમીટરના રસ્તા છે અને તેનું ધૂળમુક્ત થવાનું પ્રમાણ વધી રહ્યું છે. રસ્તાઓ ધોવા માટે સ્યુએજ ડિપાર્ટમેન્ટની મદદથી રિસાયકલ કરેલા પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
હાલ પાલિકાએ દરરોજ ૫૮૪ કિલોમીટર રસ્તા નિયમિત સ્વચ્છ કરવાનો ઉદ્દેશ્ય રાખ્યો છે. હાલ ૫૦૬ કિલોમીટર રસ્તા પાણીથી ધોવાઈ રહ્યા છે, તે માટે ૧૩૦ ટેન્કર અને ત્રણ મિસ્ટ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેના દ્વારા શનિવારે ૧૧,૨૧,૦૭૦૦ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પાલિકાના ઘનકચરા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. તેના દ્વારા સરેરાશ ૩,૭૦૦ કિલો ધૂળ નષ્ટ કરવામાં આવી હતી. સફાઈ કર્મચારીઓ દ્વારા રસ્તા પરની માટી, રેતી બ્રશિંગ દ્વારા સાફ કરવામાં આવે છે અને તેને રસ્તાની એક તરફ જમા કરવામાં આવે છે. અંદાજે દરેક એક-એક ફૂટના અંતરે માટીનો ઢગલો કરવામાં આવે છે, જેમાં માટી, રેતી અને ખડીનો સમાવેશ હોય છે.
શનિવારે મલાડ (પશ્ર્ચિમ) અને ગોરેગામ (પશ્ર્ચિમ)માં રસ્તા ધોવા માટે એક-એક લાખ લિટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો ભાંડુપ (પશ્ર્ચિમ)માં ૮૦,૦૦૦ લિટર તો અંધેરી (પશ્ર્ચિમ)માં ૯૦,૦૦૦ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનના તાકીદે પંચનામા કરવાનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં રવિવારે બપોર પછી કરાં સાથે કમોસમી વરસાદ થયો હતો. આને કારણે દ્રાક્ષના પાક સહિત કાંદા, શેરડી, ટમેટા, ફળની વાડીઓ, પાંદડાવાળી ભાજીઓ વગેરેને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનના પંચનામા બે દિવસમાં પૂરા કરવાનો નિર્દેશ રાજ્યના સાર્વજનિક બાંધકામ (સાર્વજનિક ઉપક્રમ) ખાતાના પ્રધાન તેમ જ નાશિકના પાલક પ્રધાન દાદાજી ભૂસેએ સોમવારે આપ્યો હતો. નાશિક જિલ્લાના નિફાડ તાલુકાના કસબે સુકેણે ખાતે પાલક પ્રધાન દાદાજી ભૂસે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે ખેતરોમાં પહોંચ્યા હતા. તેમણે ખેડૂતોને આશ્ર્વાસન આપ્યું હતું અને કમોસમી વરસાદને કારણે નુકસાન થયેલા પાકનું પંચનામું આગામી બે દિવસમાં પૂરા કરવા અને જેમણે પાકવીમા કઢાવ્યા હોય તેવા ખેડૂતોની પાકવીમા માટે એજન્સી સમક્ષ નોંધણી પૂર્ણ કરાવવી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button