ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઇવ ટનલ પ્રોજેકટ માટે ₹ ૭,૩૨૬ કરોડની લોન લેવા મંજૂરી
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) નો અત્યંત મહત્ત્વનો પ્રોજેકટ ઓરેન્જ ગેટ, ઈસ્ટર્ન ફ્રીવેથી મરીન ડ્રાઇવ ટનલ પ્રકલ્પ માટે ૯,૧૫૮ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની માહિતી એક અધિકારીએ આપી હતી. આ કુલ ખર્ચમાંથી ૭,૩૨૬ કરોડ રૂપિયાનું ભંડોળ લોન દ્વારા લેવાનો નિર્ણય કર્યો છે.
એમએમઆરડીએ આ લોન ૨૫ વર્ષ માટે લેશે. તેમ જ આ લોન મુંબઈ પોરબંદર પ્રોજેકટ (શિવડી-ન્હાવાશેવા દરિયાઈ પુલ) અને મુંબઈના પ્રવેશદ્વારનો રોડ ટૅક્સ વસૂલી કરી ચૂકવવામાં આવશે, એવી માહિતી અધિકારીએ આપી હતી.
ચેમ્બુરથી સીએસએમટી દરમિયાનનો પ્રવાસ સરળ અને ટ્રાફિક મુકત કરવા માટે એમએમઆરડીએ દ્વારા ૨૦૧૩માં ૧૬.૮ કી.મી. લાંબો ઈસ્ટર્નફ્રીવે બાંધવામાં આવ્યો હતો. આ માર્ગને લીધે ચેમ્બુરથી સીએસએમટીનો પ્રવાસ માત્ર ૨૦થી ૨૫ મિનિટમાં શક્ય બન્યો છે, પણ ઓરેન્જ ગેટ નજીક આવ્યા બાદ નરીમાન પોઈન્ટ, મરીન ડ્રાઇવ તરફ જનારા માર્ગ પર ટ્રાફિક સર્જાય છે. આ ટ્રાફિકને દૂર કરવા માટે આ માર્ગ પર ઓરેન્જ ગેટ, ઈસ્ટર્નફ્રીવેથી મરીન ડ્રાઇવ દરમિયાન ટનલ બાંધવાનું નિર્ણય લીધો છે, જેથી આ માર્ગ પર ટ્રાફિક ઓછી થશે.
આ ટનલનું કામ પૂરું થયા બાદ મુંબઈના ચર્ચગેટ, કુલાબા, નરીમાન પોઈન્ટ, મરીન ડ્રાઇવ આ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા દૂર થશે. એમએમઆરડીએ જાહેર કરેલી માહિતી મુજબ આ ટનલ ૩.૫ કિમી લાંબી હશે. આ કામ માટે એલ એન્ડ ટી કંપનીને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે, પણ આ પ્રોજેકટમાં થનારો ખર્ચ વધી બજેટ ૯૧૫૮ કરોડ પહોંચી ગયો છે. આ કામ માટે ૧,૮૩૨ કરોડ રૂપિયા એમએમઆરડીએ અને રાજ્ય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવશે અને બાકીના ૮૦ ટકા ૯,૩૨૬ કરોડ રૂપિયા લોન તરીકે લેવાનો પ્રસ્તાવ નાગપુરમાં ઓથોરિટીની ૧૫૫મી બેઠક સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
એમએમઆરડીએ દ્વારા ૬૦ હજાર કરોડ રૂપિયા લોન લેવામાં આવવાનો છે. આ લોનની રકમમાંથી ૩૦,૭૮૯ કરોડ રૂપિયા મેટ્રો માટે વાપરવામાં આવવાના છે. એમએમઆરડીએને વર્ષ ૨૦૨૭થી મુંબઈ પ્રવેશદ્વારના પથકર નાકા પર ટૅક્સની વસૂલી કરવાનો અધિકારી આપવાના પ્રસ્તાવને પહેલાથી જ મંજૂરી મળી ગઈ છે. તેથી આ ટનલનું કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.