એન્ટોપ હિલમાં પોલીસ કર્મચારી પર યુવકે કર્યો છરીથી હુમલો

મુંબઈ: એન્ટોપ હિલ વિસ્તારમાં ફરજ પર હાજર પોલીસ કર્મચારી પર શુક્રવારે 27 વર્ષના યુવકે છરીથી હુમલો કર્યો હતો, જેમાં તેના હાથમાં ઇજા થઇ હતી. હુમલો કર્યા બાદ ફરાર થયેલા યુવકને ઓળખી કઢાયો હોઇ તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ઘવાયેલા પોલીસ કોન્સ્ટેબલની ઓળખ સમાધાન માને (37) તરીકે થઇ હોઇ તે એન્ટોપ હિલ પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે. પોલીસ દ્વારા તડીપાર કરાયેલા આરોપી આ વિસ્તારમાં પાછા આવ્યા છે કે કેમ તેની તપાસ કરવાનું કામ માનેને સોંપવામાં આવ્યું હતું. આથી શુક્રવારે માને બંગાલીપુરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો.
એ સમયે મોહંમદ પીર મોહંમદ પઠાણ નામનો યુવક માને પાસે આવ્યો હતો અને ફરજમાં અવરોધ ઊભો કરવા લાગ્યો હતો. તેના હાથમાં છરી હતી. માનેએ પઠાણને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેણે ગાળો ભાંડ્યા બાદ માને પર છરીથી હુમલો કર્યો હતો, જેમાં માનેના હાથમાં ગંભીર ઇજા થઇ હતી.
દરમિયાન સ્થાનિકો માનેની મદદ માટે દોડી આવતાં આરોપી તેમને પણ છરી દેખાડીને ધમકાવવા લાગ્યો હતો અને બાદમાં ત્યાંથી ફરાર થઇ ગયો હતો.દરમિયાન માનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસે યુવક સામે ગુનો દાખલ કર્યો હતો અને બાદમાં તેને ઓળખી કાઢવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…મીરા રોડમાં વૃદ્ધની હત્યા બાદ સોનાની ચેન લૂંટીમૃતદેહને ગટરમાં ફેંકી દીધો: સલૂનવાળો પકડાયો