આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર વિધાનસભામાં ‘શહેરી નક્સલવાદ’ને કાબુમાં લેવા માટેનું બિલ ફરીથી રજૂ કરાયું

નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે રાજ્ય વિધાનસભામાં સ્પેશિયલ પબ્લિક સિક્યોરિટી બિલ (ખાસ જાહેર સુરક્ષા ખરડો) ફરીથી રજૂ કર્યો હતો અને કહ્યું કે આ પ્રસ્તાવિત કાયદો વાસ્તવિક અસંમતિ વ્યક્ત કરનારાઓના અવાજને દબાવવા માટે નથી, પરંતુ શહેરી નક્સલીઓના અડ્ડાઓ બંધ કરવા માટેનો છે.

એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની અગાઉની મહારાષ્ટ્ર સરકારે ચાલુ વર્ષના જુલાઈમાં ચોમાસા સત્ર દરમિયાન વિધાનસભામાં ‘મહારાષ્ટ્ર સ્પેશિયલ પબ્લિક સિક્યોરિટી એક્ટ, 2024’ નામનું આ બિલ રજૂ કર્યું હતું. જોકે, તે સમયે તે પસાર થઈ શક્યું ન હતું. 20 નવેમ્બરની વિધાનસભા ચૂંટણી પછી ફડણવીસના નેતૃત્વ હેઠળની નવી સરકાર સત્તામાં આવતાં, તેમણે ગૃહમાં બિલ ફરીથી રજૂ કર્યું હતું. આ પ્રસંગે બોલતાં ફડણવીસે કહ્યું હતું કે, આ બિલને રાજ્ય વિધાનસભાની સંયુક્ત પસંદગી સમિતિને મોકલવામાં આવશે જેથી આ બિલ સંબંધિત તમામ શંકાઓ દૂર થઈ શકશે.

આ પણ વાંચો: “હું પહેલા નક્સલવાદી હતો” ફરીથી નક્સલવાદી બનીશ તો… જ્યારે નીતિન ગડકરી ભડક્યા

તેમણે એમ પણ કહ્યું હતું કે, આગામી વર્ષે જુલાઈમાં મુંબઈમાં યોજાનાર રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રમાં હિસ્સેદારોના મંતવ્યો પર વિચાર કરવામાં આવશે અને બિલને મંજૂરી આપવામાં આવશે. ‘નક્સલવાદ ફક્ત દૂરના ગ્રામીણ વિસ્તારો પૂરતો મર્યાદિત નથી, પરંતુ શહેરી વિસ્તારોમાં પણ છદ્મ (ફ્રન્ટલ) સંગઠનો ઉભા થયા છે, જે દેશ અને તેની સંસ્થાઓ પ્રત્યે અવિશ્ર્વાસ પેદા કરવાનું કામ કરે છે,’ એમ ફડણવીસે કહ્યું હતું. ‘મહારાષ્ટ્રમાં નક્સલ વિરોધી ટુકડીઓ પણ શહેરી નક્સલીઓની પ્રવૃત્તિઓને રોકવા માટે આવો કાયદો ઇચ્છતી હતી. આ પ્રસ્તાવિત કાયદો વાસ્તવિક વિરોધીઓના અવાજોને દબાવવા માટેનો નથી, પરંતુ શહેરી નક્સલીઓના અડ્ડાઓ બંધ કરવાનો છે,’ એમ તેમણે ઉમેર્યું હતું.

કોંગ્રેસના નેતા નાના પટોલેએ પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો કે જ્યારે હાલના કાયદાઓમાં નક્સલવાદનો સામનો કરવા માટેની જોગવાઈઓ છે ત્યારે અલગ કાયદાની શું જરૂરિયાત છે. આના પર, ફડણવીસે જવાબ આપ્યો હતો કે, મહારાષ્ટ્રમાં નક્સલવાદનો સામનો કરવા માટે કોઈ કાયદો નથી. ‘આપણી પાસે આઈપીસી (ભારતીય દંડ સંહિતા) અને યુએપીએ (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ/પ્રતિબંધ) કાયદો) છે. યુએપીએ આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત કેસોને હેન્ડલ કરવા માટે છે,’ એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો: મિથુન દાઃ નક્સલવાદ છોડયો, ભૂખ્યા ભટક્યા, પણ હાર ન માની અને…

ફડણવીસે જણાવ્યું હતું કે, છત્તીસગઢ, તેલંગણા, આંધ્રપ્રદેશ અને ઓડિશાએ ગેરકાયદે પ્રવૃત્તિઓને અસરકારક રીતે રોકવા માટે જાહેર સુરક્ષા કાયદાઓ ઘડ્યા છે અને 48 છદ્મ સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રસ્તાવિત કાયદા હેઠળના બધા ગુનાઓ દખલપાત્ર અને બિન-જામીનપાત્ર હશે. આ ગુનાઓની તપાસ સબ-ઇન્સ્પેક્ટરથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવશે.

આ બિલ હિંસા, તોડફોડ અથવા અન્ય કૃત્યોમાં સામેલ થવાને અથવા પ્રચાર કરવાને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરીકે વર્ણવે છે, જે લોકોમાં ભય અને આશંકા પેદા કરે છે. હથિયારો, વિસ્ફોટકો અથવા અન્ય ઉપકરણોનો ઉપયોગ કરવામાં સામેલ થવું અથવા તેનો ઉપયોગ કરવામાં પ્રોત્સાહિત કરવું, સ્થાપિત કાયદા અને તેની સંસ્થાઓનું ઉલ્લંઘન કરવા માટે પ્રોત્સાહિત કરવું અથવા ઉપદેશ આપવો એ પણ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ છે, એમ તેમાં જણાવાયું છે.

ગેરકાયદે સંગઠન એ છે જે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ થાય છે અથવા દાવ લગાવે છે અથવા મદદ કરે છે, સહાય આપે છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રોત્સાહિત કરે છે. ગેરકાયદે સંગઠન સાથે જોડાણ કરવા પર ત્રણથી સાત વર્ષની જેલ અને 3થી 5 લાખ રૂપિયાનો દંડ થશે, એમ તેમાં જણાવાયું છે. બિલની જોગવાઈઓ અનુસાર, કોઈપણ કોર્ટ વધારાના ડીજીપીના કક્ષાના ન હોય તેવા અધિકારીના અહેવાલ સિવાય કોઈપણ ગુનાની નોંધ લેશે નહીં. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button