મારા જીવનની બીજી ઇનિંગ છે રાજકારણ: ઉજ્જવલ નિકમ
ઉજ્જવલ નિકમે કર્યા વડા પ્રધાનના વખાણ
મુંબઈ: 26/11ના આતંકવાદી હુમલામાં સંડોવાયેલા નરાધમ આતંકવાદી મોહમ્મદ આમીર અજમલ કસાબને ફાંસીના માંચડે લટકાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા સરકારી વકીલ ઉજ્જવલ નિકમને ભાજપ તરફથી ઉમેદવારી આપવામાં આવી છે અને તે પોતાના પ્રચારમાં વ્યસ્ત થઇ ગયા છે. જોકે, પોતાના પ્રચાર દરમિયાન નિકમે ભારતીય ન્યાય વ્યવસ્થા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ ભારતે કરેલી પ્રગતિ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રત્યાર્પણની પ્રક્રિયા ખૂબ જ જટીલ છે. આરોપીનું પ્રત્યાર્પણ કરીને ભારતમાં લાવવાની પ્રક્રિયા લાંબી અને ખર્ચાળ છે અને આપણે આ બાબતનો નિવેડો લાવવો જરૂરી છે. વિદેશની અદાલતો તેમના કાયદા પ્રમાણે પુરાવાઓ ચકાસે છે અને નિર્ણય લે છે. હું આ બાબતે અભ્યાસ કરી રહ્યો છું.
આ સિવાય તેમણે રાજકારણને પોતાના જીવનની બીજી ઇનિંગ ગણાવી હતી અને કહ્યું હતું કે હું હવે ન્યાયની અદાલતમાંથી લોકોની અદાલતમાં પ્રવેશ્યો છું. નિકમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે વડા પ્રધાને દુનિયામાં ભારતનું કદ વધાર્યું છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે તેમણે અનેક લોકકલ્યાણની યોજનાઓ બહાર પાડી છે. વડા પ્રધાનની લોકપ્રિયતાના કારણે મને પણ લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે.