મુંબઈ કૉંગ્રેસને વધુ એક ફટકો બાબા સિદ્દિકીનું રાજીનામું: અજિત પવાર જૂથમાં જોડાશે
મુંબઈ: કૉંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા ઝિયાઉદ્દીન સિદ્દીકીએ ગુરુવારે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને અજિત પવારની આગેવાનીવાળી એનસીપીમાં જોડાશે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરા જાન્યુઆરીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાયા પછી છેલ્લા એક મહિનામાં પક્ષ છોડનારા તેઓ મુંબઈ કોંગ્રેસના બીજા વરિષ્ઠ નેતા છે. ૬૬ વર્ષીય નેતાએ પાર્ટી છોડવાના તેમના નિર્ણય માટે કોઈ કારણ દર્શાવ્યું ન હતું, માત્ર એટલું જ કહ્યું હતું કે કેટલીક વસ્તુઓ ન કહેવી સારી. પત્રકારો સાથે વાત કરતા બાબા સિદ્દીકીએ કહ્યું કે કેટલાક નિર્ણયો પીડાદાયક હોય છે, પરંતુ તે લેવાના હોય છે. મુંબઈ કૉંગ્રેસના એક અગ્રણી મુસ્લિમ ચહેરા, સિદ્દીકીએ મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ-એનસીપી ગઠબંધન સત્તા પર હતું ત્યારે મંત્રી તરીકે સેવા આપી હતી. બાદમાં પત્રકારો સાથે વાત કરતાં સિદ્દીકીએ કહ્યું, હું અજિત પવાર જૂથ સાથે જઈશ. મારી સફર કૉંગ્રેસમાંથી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી સુધીની રહેશે. કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન, સિદ્દિકિએ જરૂરિયાતમંદ દર્દીઓ માટે ખૂબ જ જરૂરી દવાઓની વ્યવસ્થા કરવા બદલ પ્રશંસા મેળવી હતી. રાજકારણી તેની ભવ્ય ઈફ્તાર પાર્ટીઓ માટે પણ જાણીતા છે જેમાં બોલિવૂડના ટોચના સ્ટાર્સ હાજરી આપે છે. તેમનો પુત્ર ઝીશાન સિદ્દીક હાલમાં મુંબઈના બાંદ્રા (પૂર્વ)થી કૉંગ્રેસના વિધાનસભ્ય છે. (પીટીઆઈ)
હવે રાજ્યસભાના ઉમેદવાર કોણ?
મુંબઈ: રાજ્યસભાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઇ ગયા છે અને તમામ રાજકીય પક્ષોએ પણ ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ વર્ષે છ એવા રાજ્યસભા સાંસદો છે જેમનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે.
ખાસ કરીને કૉંગ્રેસ તરફથી રાજ્યસભા સાંસદ બનવા માટે ઉમેદવાર કોને પસંદ કરવામાં આવશે તેના ઉપર બધાની નજર ટકેલી છે અને સૌથી વધુ નામ જેનું ચર્ચાઇ રહ્યું છે તે છે પવન ખેડા.
કૉંગ્રેસ તેના વિશ્ર્વાસુ એવા પવન ખેડાની રાજ્યસભાની ચૂંટણીના રિંગણમાં ઉતારી શકે એવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. પવન ખેડા કૉંગ્રેસ પક્ષનો જાણીતો ચહેરો છે અને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકેનો હોદ્દો સંભાળે છે. ૨૭ તારીખે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે દરેક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારો પસંદ કરવામાં લાગી ગયા છે.
આ વર્ષે મહારાષ્ટ્રમાં વી.મુરલીધરન(રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન), નારાયણ રાણે (સાંસદ), પ્રકાશ જાવડેકર(પૂર્વ કેન્દ્રીય પ્રધાન ), કુમાર કેતકર(કૉંગ્રેસ સદસ્ય), વંદના ચવ્હાણ(એનસીપી સદસ્ય) અને અનિલ દેસાઇ(ઉદ્ધવ જૂથના સદસ્ય) આ છ રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ પૂરો થાય છે.
ઉલ્લેખનીય છે કે ૨૭ ફેબ્રુઆરીએ ૧૫ રાજ્યોમાં ૫૭ રાજ્યસભાની ૫૭ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.
આ સિવાય ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, અશ્ર્વિની વૈષ્ણવ, મનસુખ માંડવિયા, ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ બલૂની તેમ જ સમાજવાદી પાર્ટીના સાંસદ તેમ જ અભિનેત્રી જયા બચ્ચનનો રાજ્યસભા સાંસદ તરીકેનો કાર્યકાળ પણ આ વર્ષે પૂરો થઇ રહ્યો છે.
મુંબઈ કૉંગ્રેસનો લઘુમતી ચહેરો
મુંબઈ: મુંબઈના કૉંગ્રેસના એક મહત્ત્વના નેતા, ભૂતપૂર્વ વિધાનસભ્ય અને પક્ષના સક્રિય કાર્યકર્તાની ઓળખ ધરાવતા બાબા સિદ્દીકીએ લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે એ વાતાવરણમાં કૉંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું કૉંગ્રેસ માટે એક વધુ આંચકો છે. મિલિંદ દેવરા પછી વધુ એક મહત્ત્વના નેતાએ પક્ષ સાથે છેડો ફાડતા કૉંગ્રેસ માટે રાજકીય ચઢાણ કપરા બનશે. ૧૯૯૨થી ૧૯૯૭ દરમિયાન સિદ્દીકી કૉંગ્રેસના નગરસેવક હતા. ત્યારબાદ ૧૯૯૯, ૨૦૦૪ અને ૨૦૦૯ એમ લાગલગાટ ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ચૂંટાઈ આવ્યા હતા. ૨૦૦૪થી ૨૦૦૮ દરમિયાન કૉંગ્રેસ – રાષ્ટ્રવાદી કૉંગ્રેસના મોરચાની સરકારમાં રાજ્ય પ્રધાન બનવાની તક મળી હતી. ૨૦૧૪ની મોદી લહેરમાં તેમનો પરાજય થયો હતો. ૨૦૧૯માં તેઓ ચૂંટણી નહોતા લડ્યા પણ પુત્ર ઝિશાન સિદ્દીકીને બાન્દ્રા પૂર્વમાંથી વિજયી બનાવ્યો હતો.