પ્રધાન વિરુદ્ધ ડાન્સ બારના આક્ષેપોના ‘પુરાવા’ સાથે પરબ ફડણવીસને મળ્યા | મુંબઈ સમાચાર

પ્રધાન વિરુદ્ધ ડાન્સ બારના આક્ષેપોના ‘પુરાવા’ સાથે પરબ ફડણવીસને મળ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા અનિલ પરબ મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા અને રાજ્યના પ્રધાન યોગેશ કદમ કથિત રીતે તેમની માતાના નામે પરમિટ મેળવીને ડાન્સ બાર ચલાવી રહ્યા હોવાના ‘પુરાવા’ રજૂ કર્યા હતા.

પત્રકારો સાથે વાત કરતાં પરબે કહ્યું હતું કે તેમણે એવા પુરાવા પણ રજૂ કર્યા કે ગરીબ ખેડૂતોના ઘરો માટે જગબુડી નદીમાંથી કાઢવામાં આવતી રેતી કથિત રીતે રત્નાગીરીમાં કદમના પરિવાર સાથે સંકળાયેલી ડેન્ટલ કોલેજમાં વાળવામાં આવી રહી છે.

પહેલેથી જ આરોપોને નકારી કાઢનારા કદમે આના પર બોલતાં કહ્યું હતું કે તેઓ મુખ્ય પ્રધાન સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરશે.
પરબે કહ્યું હતું કે, ‘મેં રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે આ મુદ્દાઓ વિશે વાત કરી હતી. મુખ્ય પ્રધાને મને પુરાવા આપવા કહ્યું હતું અને મેં તે મુજબ તેમને આપી દીધા છે.’

આ પણ વાંચો: અનિલ પરબ અધુરા વકીલ, યોગેશ કદમનું રાજીનામું લઈ બતાવે: ભૂતપૂર્વ પર્યાવરણ પ્રધાન રામદાસ કદમ…

શિવસેના યુબીટીના વિધાનપરિષદના સભ્યે કહ્યું હતું કે તેમને આશા છે કે ફડણવીસ પુરાવાઓની તપાસ કરશે અને ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન કદમ સામે પગલાં લેશે.

‘હું દર 15 દિવસે મુખ્ય પ્રધાનને મેં રજૂ કરેલા પુરાવા અને તેના પર લેવાયેલી કાર્યવાહી અંગે યાદ અપાવતો રહીશ. મને અપેક્ષા છે કે તેઓ કદમ સામે પગલાં લેશે નહીંતર એવું લાગશે કે તેઓ કદમને બચાવી રહ્યા છે,’ એમ પરબે કહ્યું હતું.
મહાયુતિની 2019થી 2022 સુધીની સરકારમાં પરબ રત્નાગિરીના પાલક પ્રધાન હતા અને બંને અવિભાજિત શિવસેનાનો ભાગ હતા ત્યારથી કદમ અને પરબ વચ્ચે દુશ્મનાવટ છે. કદમ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના હરીફ જૂથમાં જોડાયા હતા.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button