ચૂંટણી પહેલાં મોટી ખબર: પૂર્વ પ્રધાન અનિલ દેશમુખ પર હિંસક હુમલો, ગંભીર ઘાયલ…
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે આજે રાતે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને શરદ પવારની એનસીપીના નેતા અનિલ દેશમુખની કાર પર કટોલમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં અનિલ દેશમુખ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : ચિકનગુનિયાથી સાવધાનઃ મુંબઈમાં ગયા વર્ષની તુલનામાં કેસમાં 230 ટકાનો વધારો…
અનિલ દેશમુખ નરખેડમાં એક સભાને સંબોધીને તિનખેડા બિશનૂર માર્ગે કટોલ પાછા ફરી રહ્યા હતા તે વખતે કટોલ જલાલખેડા રોડ પર બેલફાટાની નજીક કેટલાક લોકોએ જોરદાર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં અનિલ દેશમુખનું માથું ફાટી ગયું હતું. હુમલા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં ગંભીર રીતે ઘાયલ અનિલ દેશમુખ અને તેમની કારનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો. હુમલા બાદ તેમને કટોલની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
નાગપુર રુરલ સુપરિન્ટેન્ડેન્ટ પોલીસ હર્ષ પોદ્દારે આ ઘટનાની પુષ્ટી કરી હતી અને કહ્યું હતું કે ઘટનાસ્થળે વરિષ્ઠ અધિકારીઓને રવાના કરાયા હતા.
‘તપાસ ચાલી રહી છે. જે લોકોએ હુમલો કર્યો તેઓની શોધ કરાઇ રહી છે’, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પ્રકરણે શરદ પવાર જૂથે રાજ્ય સરકારની ટીકા કરતા કહ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે તેનું ઉદાહરણ આ હુમલો છે, જ્યારે ભાજપે આ હુમલાને એક સ્ટંટ ગણાવ્યો હતો. અનિલ દેશમુખે સહાનુભૂતિ મેળવવા માટે પોતાના પર જ હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ભાજપે આ પ્રકરણે તપાસનો પોલીસને આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો : Maharashtra Election: પ્રચારના છેલ્લા દિવસે જોવા મળ્યું જાહેરાત યુદ્ધ
દેશમુખના પુત્ર સલિલ દેશમુખ કટોલ વિધાનસભા મતવિસ્તારથી એનસીપી-એસપીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે અને તેમની સામે ભાજપના ઉમેદવાર ચરણસિંહ ઠાકુર મેદાનમાં છે.