મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું ગમે ત્યારે મારી ધરપકડ થશે…

મુંબઈ: હૉટેલ-બાર માલિકો પાસેથી ખંડણી માગવા પ્રકરણે તેમ જ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટક મળ્યા તે પ્રકરણે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખનું નામ ગાજ્યું હતું અને મની લૉન્ડરિંગ પ્રકરણે તેમણે જેલમાં પણ જવું પડ્યું હતું. એવામાં ફરી એક વખત પોતાની ધરપકડ થઇ શકે છે તેવી શક્યતા ખુદ અનિલ દેશમુખે વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન સીબીઆઇના સકંજામાં, ગુનો દાખલ કરાયો
દેશમુખે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) અને ઇડી (એન્ફોસર્મમેન્ટ ડિરેક્ટોરેટ) જેવી કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પોતાના વિરુદ્ધ કેસ નોંધાવ્યો હોવાનો આરોપ મૂક્યો હતો અને બંને કેન્દ્રીય એજન્સીઓ તેમના પર ક્યારે પણ ત્રાટકી શકે તેવો ભય વ્યક્ત કર્યો છે.
સોશિયલ મીડિયા સાઇટ એક્સ (પહેલા ટ્વીટર) પર એક પોસ્ટ મૂકતા દેશમુખે ઉક્ત દાવો કર્યો હતો. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે એવો આરોપ છે કે જ્યારે ચાર વર્ષ પહેલાં હું ગૃહ પ્રધાન હતો ત્યારે મેં જળગાંવના એક પોલીસ અધિકારી પર ભાજપના ગિરીશ મહાજન પર કાર્યવાહી કરવા માટે દબાણ કર્યું હતું.
મને મળેલી જાણકારી મુજબ દેવેન્દ્ર ફડણવીસ મારા પર છાપામારી કરી મારી ધરપકડ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હું દિલ્હી અને સીબીઆઇ-ઇડીની મદદથી મહારાષ્ટ્રના રાજકારણને નીચલા સ્તરે લઇ જનારા દેવેન્દ્ર ફડણવીસને કહેવા માગુ છું કે હું મારી ધરપકડની રાહ જોઇ રહ્યો છું.
આ પણ વાંચો : ફડણવીસ રાજકીય વેર લઈ રહ્યા છે: અનિલ દેશમુખ
…એ તો તમારા કર્મ: ભાજપ
અનિલ દેશમુખે કરેલા ટ્વીટનો વળતો જવાબ આપતા ભાજપે કહ્યું હતું કે ચાર વર્ષ પહેલાની ઘટના કોઇએ ખોદી નથી કાઢી. આ તો તમારા કર્મ છે. બધા જ પુરાવા વિધાનસભાના રેકોર્ડ પર છે. મીડિયા પાસે પણ પુરાવાના વીડિયો ઉપલબ્ધ છે. જે અધિકારીઓ પર તમે દબાણ કર્યું હતું તે અધિકારીઓએ જ આ વિશે જવાબ આપ્યો છે. કર્મ તમે કર્યું અને દોષ અમારા નેતા પર નાખો છો, એ નહીં ચાલે. સરકારી વકીલ કાવતરું રચે છે, ગૃહ પ્રધાન એસપી(સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) પર દબાવ નાખે છે, તેનું સ્ટીંગ સભાગૃહમાં દેખાડાય છે, સીબીઆઇ તપાસનો આદેશ હાઇ કોર્ટ આપે છે અને તમે દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ મૂકો છો. બંધારણ અનુસાર લેવાતાં પગલાંની તમે કેટલી વખત ટીકા કરશો?
શું છે મામલો?
2020માં ભાજપના ટોચના નેતાઓને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયત્ન કરવા બદલ સીબીઆઇએ દેશમુખ, વિશેષ સરકારી વકીલ પ્રવીણ પંડિત ચૌહાણ અને બે પોલીસ અધિકારીઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધી હોવાનું અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું હતું.
બે વર્ષ સુધી આ કેસની તપાસ કર્યા બાદ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું એક અધિકારી પાસેથી જાણવા મળ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસે એક પેન ડ્રાઇવમાં આ વિશેના પુરાવા સોંપ્યા બાદ મામલો પ્રકાશમાં આવ્યો હોવાનું કહેવાય છે.