આમચી મુંબઈ

અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો, હવે આ બેંકે લોન એકાઉન્ટને ફ્રોડ જાહેર કરવા નિર્ણય લીધો

મુંબઈ: ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. જેમાં મીડિયા અહેવાલ મુજબ, દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ એ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સના લોન એકાઉન્ટને ફ્રોડ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ કેસ વર્ષ ઓગસ્ટ 2016 થી ચાલી રહ્યો છે. એસબીઆઈ એ 23 જૂન, 2025 ના રોજ લખેલા પત્રમાં આ વાત કહી છે. કંપનીને આ પત્ર 30 જૂને મળ્યો હતો. રિલાયન્સ કોમ્યુનિકેશન્સે બજાર નિયમો હેઠળ સત્તાવાર ફાઇલિંગમાં આ વાતની પુષ્ટિ કરી હતી.

એસબીઆઈએ ત્રણ વખત કારણ દર્શક નોટિસ પાઠવી

આ પત્ર કંપની અને તેના ડિરેક્ટર અનિલ અંબાણીને મોકલવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે એસબીઆઈ એ કંપનીના લોન એકાઉન્ટને ફ્રોડ તરીકે રિપોર્ટ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત આરબીઆઈ ના નિયમો મુજબ, તેણે આરબીઆઈ ને અનિલ અંબાણીનું નામ રિપોર્ટ કરવાનો નિર્ણય લીધો છે. આ પૂર્વે એસબીઆઈ એ ડિસેમ્બર 2023, માર્ચ 2024 અને પછી સપ્ટેમ્બર 2024 માં કંપનીને કારણદર્શક નોટિસ મોકલી હતી.

આ પણ વાંચો: અનિલ અંબાણીની આ કંપનીએ ચૂકવી યસ બેંકની સંપૂર્ણ લોન, શેરના ભાવમાં આવ્યો ઉછાળો

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને અનિલ અંબાણીના નામ આરબીઆઈને મોકલ્યું

આ ઉપરાંત બેંકે જણાવ્યું હતું કે, બેંકે કંપનીના જવાબો પર વિચાર કર્યો. કંપની લોનની શરતોનું ઉલ્લંઘન કેમ કર્યું તે સમજાવવામાં નિષ્ફળ ગઈ. બેંકે એમ પણ કહ્યું કે કંપની ખાતાના સંચાલનમાં અનિયમિતતાઓ અંગેના તેના પ્રશ્નોના જવાબ આપવામાં નિષ્ફળ ગઈ. તેની બાદ બેંકની ફ્રોડ ઓળખ સમિતિએ અંતિમ નિર્ણય લીધો. આ સમિતિએ તારણ કાઢ્યું કે લોનને છેતરપિંડી તરીકે ટેગ કરવા માટે પૂરતા પુરાવા છે. તેની બાદ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને અનિલ અંબાણીના નામ આરબીઆઈ ને મોકલવાનું છે.

2019થી કોર્પોરેટ નાદારી નિરાકરણ પ્રક્રિયામાં

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રુપનો ભાગ છે. હાલમાં એસબીઆઈ અને અનિલ અંબાણીએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ વર્ષ 2019થી કોર્પોરેટ નાદારી નિરાકરણ પ્રક્રિયામાં છે. આ પહેલીવાર નથી જ્યારે કોઈ બેંકે રિલાયન્સ કોમ્યુનિકેશન્સની લોનને ફ્રોડ તરીકે જાહેર કરવાનો પ્રયાસ કર્યો હોય. કેનેરા બેંકે નવેમ્બર 2024 માં આવું કર્યું હતું. પરંતુ ફેબ્રુઆરી 2025 માં બોમ્બે હાઈકોર્ટે કેનેરા બેંકની કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો. કોર્ટે કહ્યું કે બેંકે આરબીઆઈના નિયમો અનુસાર કંપનીને વાજબી સુનાવણીની તક આપી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button