અંધેરીમાં કેમિકલ લીકેજ થવાથી એકનું મોત, બે હૉસ્પિટલમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી (પૂર્વ)માં ઈન્ડ્રસ્ટ્રિયલ એસ્ટેટમાં કેમિકલ લીકેજ થવાથી ૨૦ વર્ષના યુવકનું મૃત્યુ થયું હતું તો બે યુવકોને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. કેમિકલ લીજેકને પગલે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ (એનડીઆરએફ)ને અલર્ટ રાખવામાં આવ્યું હતું. પોલીસે એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધી તપાસ હાથ ધરી હતી.
અંધેરી પૂર્વમાં મહારાષ્ટ્ર ઈન્ડ્રસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમઆઈડીસી)માં ઘણા ભંગારના ગોડાઉન આવેલા છે. એમઆઈડીસીમાં આવેલા ભંગારવાડીમાં ગ્રાઉન્ડ પ્લસ એક માળનું ગોડાઉન આવેલું છે, તેમાં સાંજના ૫.૨૨ વાગે અચાનક કેમિકલ લીકેજ થવાનું શરૂ થયું હતું. સ્થાનિકોના કહેવા મુજબ વિસ્ફોટનો અવાજ સંભાળ્યો હતો. સ્થાનિકો ત્યાં દોડી જતા એક સગીરા સહિત બે પુરુષ ગંભીર રીતે જખમી થયેલા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: ટ્રક સાથે એસયુવી ટકરાતાં બે યુવકનાં મોત: પાંચ જણ ઘાયલ
સૂત્રોના જણાવ્યા મુજબ ભંગારની વસ્તુઓ સાફ કરતી વખતે પાણીમાં ભેળવવામાં આવેલા તૈયાર સોડિયમ દ્રાવણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે એક વ્યક્તિ દ્વારા વધુ પડતું રસાયણ રેડવામાં આવ્યું હતું અને તેને કારણે વિસ્ફોટ થયો હતો, તેને કારણે ત્રણે લોકો ગૂંગળામણને કારણે બેભાન થઈ ગયા હતા. તેમને તરત અંધેરી પૂર્વમાં આવેલી હોલી સ્પીરીટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ઘટના સ્થળે ફાયરબ્રિગેડ સહિત એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ હતી. હૉસ્પિલમાં સારવાર મળે એ અગાઉ જ ૨૦ વર્ષના અહમદ હુસેનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તો ૨૮ વર્ષના નૌશાદ અંસારી અને ૧૭ વર્ષની સગીરા સબા શેખ પર આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. બંનેની હાલત ગંભીર હોવાનું હૉસ્પિટલે જણાવ્યું હતું.



