મરાઠા અનામતના વિરોધમાં અરજી કરનાર વકીલની ગાડીની તોડફોડ: મરાઠા ક્રાંતી મોરચાના કાર્યકર્તાઓ પર આક્ષેપ
મુંબઇ: મરાઠા અનામતના વિરોધમાં અરજી કરનારા વકીલ ગુણરત્ન સદાવર્તેની ગાડીની તોડફોડ કરવામાં આવી છે. આ કેસમાં ભોઇવાડા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. સદાવર્તેની ગાડીની તોડફોડ કરનારા મરાઠા ક્રાંતી મોરચાના કાર્યકર્તા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. આરોપીઓએ જોરદાર ઘોષણાઓ કરી હોવાની વિગતો પણ જાણવા મળી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સદાવર્તેના પરેલમાં આવેલ ક્રિસ્ટલ ટાવરમાં ઘરની બહાર તેમની ગાડી ઉભી હતી. ત્યાં જ તેમની ગાડીની તોડફોડ થઇ હતી. ઉપરાંત મને વારંવાર ધમકી આવી રહી છે એવો દાવો પણ ગુણરત્ન સદાવર્તેએ કર્યો છે. દરમીયાન ગાડીની તોડફોડ કરનારા ત્રણજણની પોલીસે ધરપકડ કરી છે.
વકીલ ગુણરત્ન સદાવર્તે અને તેમના પત્ની જયશ્રી પાટીલે મરાઠા અનામતના વિરોધમાં કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીને કારણે મરાઠા અનામત રદ થયું હતું. ત્યારથી જ ગુણરત્ન સદાવર્તે પર મરાઠા સમાજને રોષ છે. ત્યારે આ જ વાતનો ગુસ્સો મનમાં રાખી મરાઠા ક્રાંતી મોરચાના કાર્યકર્તાઓએ વકીલ ગુણરત્ન સદાવર્તેની ગાડીની તોડફોડ કરવામાં આવી હતી.
બે દિવસ પહેલાં જ કેટલાંક મરાઠા અનામત સંગઠનો દ્વારા વકીલ ગુણરત્ન સદાવર્તેના પરેલમાં આવેલ ઘરની બહાર ભૂખ હડતાલ કરી હતી. ત્યાર બાદ બે દિવસ બાદ સદાવર્તેની ગાડીની તોડફોડ કરવામાં આવી. લગભગ ત્રણ ગાડીઓની તોડફોડ કરવામાં આવી છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
આજે સવારે સાડા છ વાગ્યાની આસપાસ ત્રણ અજાણી વ્યક્તિઓએ વકીલ ગુણરત્ન સદાવર્તેની ગાડીની તોડફોડ કરી હતી. પરેલમાં આવેલ સદાવર્તેના ઘરની બહાર તેમની ગાડી ઊભી હતી. આ કેસમાં પોલીસે ત્વરીત કાર્યવાહી કરી ત્રણની ધરપકડ કરી છે. ગાડીની તોડફોડ કરનારા ત્રણે યુવકો સંભાજીનગરના હોવાની જાણકારી સૂત્રોમાંથી મળી છે.