Anant Radhika Wedding : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરીને નવયુગલે લીધા આશીર્વાદ

મુંબઈ: અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) બંને લગ્નગ્રંથિથી 12 જુલાઈના રોજ બંધી ચૂક્યા છે. બંનેના લગ્ન જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ખૂબ જ ધામધૂમથી થયા હતા. આ ભવ્ય લગ્નમાં ઘણા અનેક સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા. આજે, જિયો વર્લ્ડ સેન્ટરમાં અનંત અને રાધિકાના લગ્ન આશીર્વાદ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર-કન્યાને આશીર્વાદ આપવા માટે 8:30 વાગ્યે પહોંચ્યા હતા. તેઓ અહીં ડિનર પણ કરશે.
મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી જ્યારે ફંક્શન હોલમાં આવ્યા ત્યારે હરે રામા..હરે કૃષ્ણ ભજન વગાડવામાં આવ્યું હતું. પીએમ મોદી હાથ જોડીને આગળ વધી રહ્યા હતા. મુકેશ અંબાણી નરેન્દ્ર મોદી સાથે જ ચાલી રહ્યા હતા. તે જ સમયે, એનએસજીના જવાનો સંપૂર્ણ સતર્કતા સાથે પીએમ મોદીની નજીક જ સુરક્ષામાં હતા અને સુરક્ષા કોર્ડન જાળવી રહ્યા હતા. તેઓ અનંત અને રાધિકા પાસે ગયા હતા. નવયુગલે પીએમ મોદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.
વર-કન્યાને આશીર્વાદ આપ્યા બાદ વડાપ્રધાન મોદી સમારોહમાં હાજર રહેલા મહાનુભાવોને મળ્યા હતા. તેમણે ત્યાં હજાર રહેલા શંકરાચાર્યને પણ નમન કર્યા હતા. બદ્ધને મળતા મળતા તેઓ ભજન સાંભળવા બેસી ગયા હતા. આશીર્વાદ સમારોહમાં પીએમ મોદી ઉપરાંત બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહિદ કપૂર અને માધુરી દીક્ષિત સહિત દેશ-વિદેશની હસ્તીઓએ ભાગ લીધો હતો.
આ દરમિયાન આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર પણ સમારોહમાં હાજર રહ્યા હતા.