અંધેરીમાં બનશે અંડરગ્રાઉન્ડ માર્કેટ
મુંબઈ: મુંબઈમાં હોકર્સ દ્વારા રાહદારીઓ અને ટ્રાફિકને થતા અવરોધોને ધ્યાનમાં રાખીને, મુંબઈ મહાનગરપાલિકાએ દિલ્હીના કનોટ પ્લેસની જેમ અંડરગ્રાઉન્ડ માર્કેટનો કોન્સેપ્ટ અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. અંધેરી પશ્ર્ચિમમાં આવેલા આંબ્રે ઉદ્યાન હેઠળ ભૂગર્ભ મ્યુનિસિપલ માર્કેટ વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના માટે ક્ધસલ્ટન્ટની પણ નિમણૂક કરવામાં આવી છે. આ અંડરગ્રાઉન્ડ માર્કેટમાં લગભગ ૫૦૦ દુકાનો હોવાનું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈના મોટા ભાગના રસ્તાઓ હોકર્સથી ભરેલા હોવાથી આની સામે મ્યુનિસિપલ વોર્ડમાં ફરિયાદો પણ કરવામાં આવે છે. આના ઉકેલ તરીકે, મુંબઈ મહાનગરપાલિકાએ ભૂગર્ભ બજાર વિકસાવવાનો વિચાર પ્રસ્તાવિત કર્યો છે. આ ભૂગર્ભ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ લોટ બનાવવામાં આવશે અને તેના પર બે માળની દુકાનો બનાવવામાં આવશે. મ્યુનિસિપલ માર્કેટમાં અંદાજે છ થી સાત પ્રવેશદ્વાર હશે, જેનાથી વાહનો અને ગ્રાહકોને સરળતાથી પ્રવેશ મળશે. આ માર્કેટમાં ગ્રાહકો માટે બેસવાની જગ્યા અને બગીચો પણ હશે.