મહિલા મુસાફરોની સુરક્ષા માટે રેલવેનો મહત્વનો નિર્ણય, લોકલમાં મળશે આ સુવિધા
મુંબઈ: મુંબઈ જવા મહાનગરમાં દરરોજ મુસાફરો લોકલ ટ્રેન દ્વારા સફર કરે છે. તેમાં મહિલા મુસાફરોની સંખ્યા લગભગ ૩૦ ટકા જેટલી છે. લોકલમાં મહિલા મુસાફરો માટે કોચ અનામત રાખવામાં આવે છે. સવારની પહેલી લોકલથી લઈને રાતની છેલ્લી લોકલ સુધી મહિલાઓ ટ્રેનમાં મુસાફરી કરતી જોવા મળે છે. ખાસ વાત તો એ છે કે ઉપનગર રેલવે લાઇન પર મહિલા મુસાફરીની સંખ્યામાં ઘણો વધારો થયો છે, પણ સાથે સાથે લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરતી મહિલાઓની સુરક્ષા અને સલામતીનો મામલો પણ સામે આવ્યો છે, જેના પગલે રેલવે પોલીસ હવે મહિલા મુસાફરોની મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવા માટે પ્રયાસો કરી રહી છે.
રેલવે બોર્ડે લોકલ ટ્રેનોમા કોચમાં મહિલાઓની છેડતી અને અન્ય ગુનાઓને અંકુશમાં લેવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં જુનના અંત સુધીમાં તમામ મહિલા કોચમાં સીસીટીવી અને ટોક બેક સિસ્ટમ લગાવવામાં આવશે, તેથી હવે દરેક ડબ્બામાં મહિલાઓની સુરક્ષા માટે કડક જોગવાઈ રહેશે. રેલવેમાં મહિલાઓની મુસાફરી હવે જૂન પછી આધુનિક સુરક્ષા હેઠળ થશે.
રેલવેએ ટૂંક સમય પહેલા મહિલા મુસાફરોનો સર્વે હાથ ધર્યો હતો. સર્વેક્ષણમાં ભાગ લેનાર લગભગ 60% મહિલાઓએ ખાખી યુનિફોર્મમાં રેલવે પોલીસને ગોઠવવાની પરંપરાગત પદ્ધતિને બદલે સીસીટીવી અને ટોકબેક સિસ્ટમ દાખલ કરીને આધુનિક સુરક્ષાની જરૂરિયાત વ્યક્ત કરી હતી, જેથી મહિલાઓની છેડતી અને અન્ય ગુનાઓ અંકુશમાં લઈ શકાય. હવે રેલ્વે બોર્ડે મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેના તમામ મહિલા કોચમાં સીસીટીવી અને ટોક બેક સિસ્ટમ સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો છે
મુશ્કેલીની અને કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક મદદ મેળવવા માટે સ્થાનિક પોલીસ સાથે મહિલાઓ વાત કરી શકે તે માટે ટોકબેક સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. લોકલ માં 594 મહિલા કોચમાં ટોકબેક સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. 30 જૂન સુધીમાં તમામ મહિલા કોચમાં ટોક બેક સિસ્ટમ શરૂ થઈ જશે. આ સિસ્ટમમાં બટન દબાવ્યા પછી ગાર્ડ સાથે વાતચીત કરીને મહિલા મુસાફરોને યોગ્ય મદદ ઉપલબ્ધ થશે, જેનાથી સંકટ સમયે મહિલા મુસાફરોને મોટી રાહત મળશે.
આ અંગે રેલવેના એક વહીવટી અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ અને ઉપનગરમાં 117 રેલવે સ્ટેશન ઉપર પેનિક બટન સિસ્ટમ લગાવવામાં આવશે. ખાસ કરીને મહિલાઓને સુરક્ષા માટે પ્લેટફોર્મની બંને તરફ એક એક પેનિક બટન રહેશે. કટોકટીના સમયે પુરુષ અને સ્ત્રી બંનેને પેનિક બટનનો ઉપયોગ કરવાની છૂટ રહેશે. પેનિક બટન દબાવતાની સાથે જ એલાર્મ વાગશે અને રેલવે પ્રોટેક્શન ફોર્સના કંટ્રોલરૂમમાં લાલ લાઈટ થઇ જશે. આ સીસીટીવી સિસ્ટમ પ્લેટફોર્મ આધારિત હોવાથી મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરને સરળતાથી શોધી શકાશે અને તેમને તાત્કાલિક મદદ આપી શકાશે.