મુંબઈ મહાપાલિકાનો મહત્ત્વનો નિર્ણય કચરામાંથી હવે બાયોગેસ જ નહીં,પેવર બ્લોક અને ટાઈલ્સ પણ બનશે
મુંબઈ: કચરામાંથી બાયોગેસ બનાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મુંબઈ મહાપાલિકાએ હવે પેવર બ્લોક અને ટાઈલ્સ બનાવવાનો નિર્ણય લીધો છે. આ કામ માટે ટેન્ડર પર બહાર પાડવામાં આવ્યો હોવાની માહિતી એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી. કચરામાંથી જો ઉક્ત વસ્તુઓ બનાવવામાં આવશે તો ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરો નાખવાની જરૂર નહીં રહે. મહાલક્ષ્મી અને ગોરાઈ કચરા હસ્તાંતરણ કેન્દ્ર પર મહાપાલિકા પેવર બ્લોક અને ટાઈલ્સ બનાવશે એવું કહેવાઈ રહ્યું છે. મહાલક્ષ્મી કેન્દ્ર પર દરરોજ ૬૫૦ મેટ્રિક ટન અને ગોરાઈ કેન્દ્ર પર ૩૫૦ મેટ્રિક ટન કચરો ભેગો થતો હોય છે. મહાપાલિકા આ કેન્દ્રો પર બાયોગેસનું ઉત્પાદન કરવાનું વિચારી રહી છે. મુંબઈ મહાપાલિકાએ આ કેન્દ્રોના નૂતનીકરણ માટેની તૈયારી પણ શરૂ કરી દીધી છે. કેન્દ્રોમાં સૂકો અને ભીનો કચરો જુદો કરવામાં આવી રહ્યો છે. આમાંથી આગામી સમયમાં પેવર બ્લોક અને ટાઈલ્સ બનાવવાની યોજના છે. આ માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યાં છે. સૂકા અને ભીના કચરાનું વર્ગીકરણ કર્યા બાદ આ કામ શરૂ કરવામાં આવશે. મુંબઈમાં દરરોજ છ હજાર મેટ્રિક ટનથી વધુ કચરો જમા થતો હોય છે. એ પૈકી ૨૦૦૦ ટનથી વધારે કચરો આ કેન્દ્ર પર થાય છે. મહાલક્ષ્મી અને ગોરાઈ કચરા સંકલન કેન્દ્રમાં કચરા પર પ્રક્રિયા કરીને પેવર બ્લોક અને ટાઈલ્સ બનાવવાની યોજના સફળ થયા બાદ પાલિકા આ જ પ્રક્રિયા અન્ય કેન્દ્રો પણ શરૂ કરશે.