મહારાષ્ટ્રમાં શ્વાન કરડવાના કેસમાં ચિંતાજનક વધારો
મુંબઇઃ રખડતા શ્વાનો મહારાષ્ટ્રમાં લાંબા સમયથી ચર્ચાનો વિષય છે. રાજ્યમાં શ્વાનોના હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં આ વર્ષે સૌથી વધુ શ્વાન કરડવાના કેસ નોંધાયા છે. 2023 માં, રાજ્યમાં 4,35,136 શ્વાન કરડવાના કેસ નોંધાયા હતા જ્યારે 2022 માં 3,90,868 કેસ હતા, જે 11.32% નો વધારો દર્શાવે છે.
આવા સમયે શ્વાન કરડવાના કેસમાં વધારો શા માટે થઈ રહ્યો છે તેના કારણોમાં ઊંડા ઉતરવાની જરૂર જણાઇ રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રખડતા શ્વાનો પ્રત્યે નાગરિક સત્તાધિકારીઓની બેદરકારી સહિત અનેક કારણો છે. આ વર્ષે રખડતા શ્વાનો લોકોને કરડ્યા હોય એવા કિસ્સામાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે, એનું કારણ એ છે કે રખડતા શ્વાનોને યોગ્ય સંભાળ, પોષણ અથવા તબીબી સારવાર મળતી નથી, જેને કારણે તેમને વિવિધ રોગો થાય છે અને તેઓ આક્રમક બનતા જાય છે.
તાજેતરમાં જ દહિસરમાં રહેતા સાત વર્ષના શિવાંશને શ્વાન કરડ્યો હતો. શ્વાનના દાંત તેના પગમાં ઊંડે સુધી ઘુસી ગયા હતા. ત્યાર બાદ શ્વાનના હુમલાનો અન્ય એક બનાવ કાંદિવલીમાંથી પણ જાણવા મળ્યો હતો. કાંદિવલી પૂર્વના ઠાકુર ગામમાં આઠ વર્ષના રિધન પર શ્વાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
રાજ્યના આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ જણાવે છે કે મોટા ભાગના શ્વાન કરડવાના કેસ સરકારી ચોપડે નોંધાતા નથી. મુંબઇ સહિત રાજ્યભરમાં યુવાનો, મહિલાઓ અને મોડી રાત્રિના કામધંધેથી ઘરે પહોંચતા લોકો પર રખડતા શ્વાનોના હુમલામાં વધારો થયો છે. રખડતા શ્વાનોને યોગ્ય ખોરાક, પાણી મળતા નથી. તેથી ભૂખને કારણે તેઓ આક્રમક બની જાય છે અને આવતા જતા લોકો પર હુમલો કરે છે. આ ઉપરાંત જ્યારે શ્વાનો હડકાયા હોય, દુઃખી હોય, ભૂખ્યા હોય, આઘાતમાં હોય અથવા બેચેન હોય કે તેમના ગલુડિયાઓનું રક્ષણ કરતા હોય ત્યારે પણ તેઓ આક્રમણખોર બની જાય છે અને લોકો પર હુમલો કરી બેસે છે. ભારતમાં 2001થી શ્વાનોને મારવા પર પણ પ્રતિબંધ છે. કાયદા અનુસાર, શેરીઓમાંથી શ્વાનોને હટાવવા ગેરકાયદેસર છે.
ભારતની સર્વોચ્ચ અદાલતે, 2008 માં, બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને સસ્પેન્ડ કર્યો હતો જે મ્યુનિસિપલ સત્તાવાળાઓને “ઉપદ્રવ પેદા કરતા” શ્વાનોને મારવાની મંજૂરી આપે છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 51A(G) જણાવે છે કે, ‘વન્યજીવનું રક્ષણ કરવું અને તમામ જીવંત જીવો પ્રત્યે કરુણા રાખવી એ ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે’.