બિહારમાં સગીરની હત્યા કરી ફરાર થયેલો આરોપી મુંબઈમાં પકડાયો

મુંબઈ: બિહારમાં 16 વર્ષના સગીરનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી ફરાર થયેલા આરોપીને મુંબઈથી પકડી પાડવામાં આવ્યો હતો.
આરોપીની ઓળખ શાહીદ રાજા ઉર્ફે રાજુ નસીમ ખાન (22) તરીકે થઇ હોઇ તેને વધુ તપાસ માટે બિહાર પોલીસને હવાલે કરાયો હતો.
આ પણ વાંચો: 19 વર્ષથી ફરાર આરોપી સગાંને મળવા આવ્યો અને પોલીસને હાથે ઝડપાયો…
બિહારના ભાગલપુર જિલ્લામાં રહેતા મુસ્તકીમ ખાનના પુત્ર મોહંમદ આલમ રઉફ ખાન (16)નું 5 નવેમ્બરે અપહરણ કરાયું હતું અને ત્રણ દિવસ બાદ તેનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ પ્રકરણે અકબર નગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.
દરમિયાન ગુનામાં સંડોવાયેલો આરોપી શાહીદ ખાન મુંબઇ ભાગી છૂટ્યો હોવાની માહિતી બિહાર પોલીસને મળી હતી. આથી તેમણે ભાયખલા પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
આ પણ વાંચો: ભુજની પાલારા જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઇ ગયેલો નકલી કલેકટર ભોપાલથી ઝડપાયો
ભાયખલા પોલીસે શાહીદ અને તેના ભાઇનો મોબાઇલ નંબર પ્રાપ્ત કર્યો હતો અને બાદમાં મળેલી માહિતીને આધારે ડોંગરીની સિટી મૂન હોટેલમાં છટકું ગોઠવીને ત્યાં છુપાયેલા શાહીદ ખાનને પકડી પાડ્યો હતો. શાહીદ ખાનની 2022માં અપહરણ અને હત્યાના કેસમાં ધરપકડ કરાઇ હતી અને તે હાલ જામીન પર મુક્ત હતો.