મહાયુતિની બેઠકોની વહેંચણીનો હવે ફેંસલો: અમિત શાહ આજે આવે છે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવેમ્બરમાં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા બેઠકોની વહેંચણીને લઈને મહાયુતિ ગઠબંધનના ભાગીદારો વચ્ચે વધતા દબાણ વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મંગળવારે ચૂંટણી પૂર્વેની બેઠક માટે મહારાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે.
રાજ્ય ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુળેએ એવી માહિતી આપી હતી કે, ‘અમિત શાહ મુંબઈ, થાણે અને કોંકણ પ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે બેઠક કરશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગયા અઠવાડિયે મહારાષ્ટ્રમાં આવ્યા ત્યારે વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર તેમ જ પશ્ર્ચિમ મહારાષ્ટ્ર સહિત વિવિધ પ્રદેશોમાં પાર્ટીના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચો : મહાયુતિમાં મોટો ભાઇ તો ભાજપ જઃ શું કહ્યું અમિત શાહે બેઠકમાં?
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એવી માહિતી આપી હતી કે શિવસેના, ભાજપ અને એનસીપી (મહાયુતિ ગઠબંધનનો ભાગ) વચ્ચે બેઠકોની વહેંચણી અંગેની ચર્ચાઓ ‘સારી રીતે આગળ વધી રહી છે, લગભગ 80 ટકા બેઠકો પર ચર્ચા પૂરી થઈ ગઈ છે અને નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર 20 ટકા બેઠકો પર અંતિમ નિર્ણય બાકી છે.’
ભાજપના એક વરિષ્ઠ નેતાએ ઉલ્લેખ કર્યો હતો કે પક્ષો તેમના વર્તમાન મતવિસ્તારોને જાળવી રાખવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયા છે, જ્યારે અન્ય બેઠકો મેરિટ અને જીતની ક્ષમતાના આધારે ફાળવવામાં આવશે.
હાલમાં ભાજપ પાસે 105 વિધાનસભ્યો છે, શિવસેના પાસે 40 છે, અને એનસીપી પાસે 41 છે, આ બધું મળીને 186 બેઠકો થાય છે. બાકીની 102 બેઠકો માટે ચર્ચા ચાલી રહી છે. એકનાથ શિંદેએ જૂન 2022માં શિવસેનાના 40 વિધાનસભ્યો અને 10 અપક્ષોના સમર્થન સાથે મહારાષ્ટ્ર સરકાર પર નિયંત્રણ મેળવ્યા પછી, આમાંથી ઘણા અપક્ષો હવે શિંદેને સમર્થન પર પુનર્વિચાર કરી રહ્યા છે. કેટલાક ત્રીજા મોરચાની રચના સહિત અન્ય વિકલ્પો શોધી રહ્યા છે. દા. ત. બચ્ચુ કડુની આગેવાની હેઠળની પ્રહાર જનશક્તિ પાર્ટીએ જેણે મહાશક્તિના બેનર હેઠળ અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આ ત્રીજા મોરચામાં રાજુ શેટ્ટીની આગેવાની હેઠળની સ્વાભિમાની શેતકરી સંગઠન અને ભાજપના પૂર્વ સાંસદ સંભાજી છત્રપતિનો પણ સમાવેશ થાય છે.
જ્યારે શિંદે, ફડણવીસ અને એનસીપી નેતા અજિત પવારે તાજેતરમાં બે વ્યાપક બેઠકો યોજી છે, ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર વાટાઘાટો હજુ પણ ‘અનિર્ણાયક’ છે.