ભાજપ કાર્યાલય કાર્યકર્તાઓ માટે મંદિરથી ઓછું નથી” અમિત શાહ…

મુંબઈ: સોમવારે મુંબઈની મુલાકાત દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે મુંબઈમાં ભાજપના નવા કાર્યાલયનું
ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય વરિષ્ઠ ભાજપ નેતાઓ હાજર રહ્યા હતા. ભૂમિપૂજન કાર્યક્રમમાં બોલતા અમિત શાહે કહ્યું કે ‘સોમવારનો દિવસ ભાજપના કાર્યકર્તાઓ માટે શુભ દિવસ હતો. ભાજપ કાર્યાલય આપણા કાર્યકર્તાઓ માટે મંદિરથી ઓછું નથી.’
વધુમાં તેમણે કહ્યું કે, ભાજપની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી, ૨૦૨૫ સુધી, દરેક ભાજપ કાર્યકર્તાથી લઈને બધા નેતાઓ સુધી, દરેક વ્યક્તિ જાણે છે કે કાર્યાલય આપણા માટે એક મંદિર છે. અન્ય તમામ પક્ષો માટે, કાર્યાલય એક કાર્યાલય રહેશે. પરંતુ દરેક ભાજપ કાર્યકર્તા માટે, ભાજપ કાર્યાલય મંદિરથી ઓછું નથી,” અમિત શાહે કહ્યું.

“જન સંઘની રચનાથી આજ સુધી, અમે હંમેશા રાજકીય પક્ષ ચલાવવાના વિચારને અપનાવ્યો છે. અમે હંમેશા ભારતના લોકોના કલ્યાણ માટે લડ્યા છીએ. હવે કોઈ પણ નકારી શકે નહીં કે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રના રાજકીય ક્ષેત્રમાં પણ મજબૂત સ્થાન ધરાવે છે,” અમિત શાહે કહ્યું હતું.
કાર્યાલય વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે, “મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી કાર્યાલયમાં એક પુસ્તકાલય, છ મીટિંગ રૂમ, એક કોન્ફરન્સ હોલ, ૪૦૦ બેઠકો ધરાવતું ભવ્ય ઓડિટોરિયમ, પાર્ટીના પ્રદેશ પ્રમુખ માટે એક ઓફિસ અને મુખ્યપ્રધાન માટે પણ એક ઓફિસ છે. એટલું જ નહીં, કેટલાક કાર્યકરો માટે રહેવાની વ્યવસ્થા પણ કાર્યાલયમાં કરવામાં આવી છે.”



