ભાષાવિવાદ વચ્ચે કૉંગ્રેસ ઉત્તર ભારતીયોને જોડવા યોજશે મુંબઈ વિરાસત મિલન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ઉત્તર ભારતીય સમુદાય માટે કોંગ્રેસ એક મોટો ટેકો રહ્યો છે. મુંબઈ કોંગ્રેસ પ્રમુખ વર્ષા ગાયકવાડ એ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ સમુદાયને કોંગ્રેસ પક્ષ સાથે વધુ મજબૂત રીતે જોડવા માટે ‘મુંબઈ વિરાસત મિલન’ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.
આ ઝુંબેશ કોંગ્રેસ ઉત્તર ભારતીય સેલ વતી અમલમાં મૂકવામાં આવશે. આ ઝુંબેશ ઉત્તર ભારતીયોના પક્ષ સાથેના સંબંધો અને તેમના વિકાસમાં પક્ષના યોગદાન વિશે માહિતી પ્રદાન કરશે. તેમણે કહ્યું કે દરેક જિલ્લા અને તાલુકામાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં ઉત્તર ભારતીય સમુદાયના પ્રખ્યાત સ્થળોનો પણ સમાવેશ થશે.
નિતેશ રાણેને કાઢી મૂકો
મહાયુતિ સરકારમાં ભાજપના મંત્રી નિતેશ રાણે ધાર્મિક વિભાજન પેદા કરે તેવા નિવેદનો આપતા રહે છે. મંત્રી દ્વારા આવા નિવેદનો આપવા એ ગેરબંધારણીય અને બિનલોકતાંત્રિક છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાણેના નિવેદનો પર સ્પષ્ટતા કરવી જોઈએ. પાર્ટીએ તેમના ભડકાઉ નિવેદનોને ગંભીરતાથી લેવા અને તેમને તાત્કાલિક હાંકી કાઢવાની પણ માગણી ગાયકવાડે કરી હતી.
મરાઠી હિન્દી વિવાદ પાછળનો રાજકીય એજન્ડા
કોંગ્રેસ કોઈપણ ભાષાની વિરુદ્ધ નથી. પાર્ટીનો મત એવો છે કે તેને મરાઠી પર ગર્વ છે અને શાળાકીય શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ. લોકોના વિરોધને પગલે સરકાર દ્વારા જારી કરાયેલા બે GR રદ કરવામાં આવ્યા હતા. તેથી તેના પર ફરીથી વિવાદ ઉઠાવવાની જરૂર નથી. ભાષાકીય મતભેદો ઉભા કરીને લડાઈ ઉભી કરવી યોગ્ય નથી, પરંતુ કેટલાક લોકો મરાઠી-હિન્દી ચર્ચા દ્વારા રાજકીય એજન્ડાને આગળ ધપાવી રહ્યા છે, એવી ટીકા ગાયકવાડે કરી હતી.
કોંગ્રેસે કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ અને મંત્રી જેવા વિવિધ પદો આપીને ઉત્તર ભારતીય સમુદાયનું સન્માન કર્યું. જોકે, એવી પણ ટીકા થઈ હતી કે કેટલાક લોકોએ પોતાનો ફાયદો ઉઠાવ્યો અને આ સમાજને વિકાસથી વંચિત રાખ્યો, એમ પણ ગાયકવાડે કહ્યું હતું.
આ પણ વાંચો…વિધાન ભવનમાં થયેલી મારામારી માટે મુખ્ય પ્રધાન ફડણવીસ દોષી, પ્રાયશ્ર્ચિત તરીકે રાજીનામું આપે: સપકાળ