કોસ્ટલ રોડ પર અમરસન્સ પાર્કિંગનું કામ અટવાયું: સ્થાનિકોનો વિરોધ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં મરીન ડ્રાઈવથી વરલી સી લિંક સુધીના વિસ્તારમાં ચાર ઠેકાણે મુંબઈ મહાનગરપાલિકા પાર્કિંગની સુવિધા ઊભી કરવાની છે, જેમાં હાજીઅલીમાં પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં થોડો સમય લાગવાનો છે તેમાં ઓછું હોય તેમ હવે બ્રીચ કેન્ડી પાસેના અમરસન્સ ખાતે પાર્કિંગની સુવિધા ઊભી કરવા સામે બ્રીચ કેન્ડી રેસિડન્ટ ફોરમે વિરોધ નોંધાવ્યો છે. પાર્કિંગને કારણે વાહનોની સંખ્યા વધશે અને પરિસરમાં ટ્રાફિકની સમસ્યા નિર્માણ થશે અને તેનો ત્રાસ બ્રીચ કેન્ડીના લોકોને સહન કરવો પડશે એવો ડર તેઓએ પાલિકા સમક્ષ વ્યક્ત કર્યો છે, તેથી તેમના વિરોધને પગલે પાલિકાએ પણ હાલ પૂરતું અમરસન્સ પાસે પાર્કિંગનું કામ બંધ રાખ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મુંબઈ કોસ્ટલ રોડ પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી બાન્દ્રા-વરલી સી લિંકના વરલી છેડા સુધી બાંધવામાં આવ્યો છે. તબક્કાવાર ચાલુ કરવામાં આવેલા કોસ્ટલ રોડમાં હાજી અલી રજની પટેલ ચોક પાસે ચાર માળનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, વરલી પાસે બે અલગ-અલગ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ અને અમરસન્સ પાસે પણ બે માળના પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવવાની છે. વરલીીમાં બે ઠેકાણે પાર્કિંગનું કામ લગભગ પૂરું થયું છે. જોકે હાજીઅલી અને અમરસન્સ પાસે પાર્કિંગના કામના હજી કોઈ ઠેકાણાં નથી. રેસકોર્સ પાસે સેન્ટ્રલ પાર્ક ઊભું કરવામાં આવવાનું હોવાથી અહીં પર્યટકોની ભીડ વધશે, જેમાં ખાસ કરીને બસની સંખ્યા વધશે અને તેના માટે કોસ્ટલ રોડ પર હાજીઅલી પાર્કિંગ માટે જગ્યા ઉપલબ્ધ કરવાનો નિર્ણય પાલિકાએ લીધો હતો. તેમાં જોકે પ્લાનમાં થોડો ફેરફાર કરીને બેને બદલે ચાર માળનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ ઊભું કરવામાં આવવાનું છે. તેથી આકામ ૨૦૨૫ની સાલને બદલે ૨૦૨૬માં પૂરું થશે.
Also read: કોસ્ટલ રોડ પાલઘર સુધી: એકનાથ શિંદે
આ દરમિયાન કોસ્ટલ રોડમાં અમરસન્સ પાસે પાર્કિંગનું કામ બંધ કરવામાં આવ્યું છે. અમરસન્સ ખઆતે ૨૪૫ ફોર વ્હીલર માટે બે માળનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ ઊભું કરવાનું છે. પરંતુ કામની શરૂઆત થાય તે પહેલા બ્રીચ કેન્ડી રેસિડન્ટ ફોરમે તેની સામે વિરોધ કર્યો છે. તેથી આ વિરોધને પગલે કામ હાલ બંધ રાખવામાં આવ્યું છે.