સ્ટેમ્પ ડયૂટીની ચુકવણી અંગે અસ્પષ્ટતા મ્હાડાની ઑફિસના ધક્કા ખાતા ફલેટધારકો
મુંબઈ: સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન અંગેની અસ્પષ્ટતાને કારણે મ્હાડાના ફ્લેટધારકો હેરાન થઇ ગયા છે. બાન્દ્રા (પૂર્વ) સ્થિત ‘મ્હાડા’ના મુખ્ય કાર્યાલયમાં આ માટે લોકોની ભીડ જામી રહી છે. કાર્યાલયના રૂમ નંબર ૧૪૭ની બહાર લાંબી લાઈન લાગે છે. ૨૦૨૩ની ‘મ્હાડા’ લોટરીમાં મળેલા ફ્લેટની સ્ટેમ્પ ડયુટી ભરવા ઘણા સમયથી લોકો આંટાફેરા કરવા મજબૂર થઇ ગયા છે. સ્ટેમ્પ ડ્યુટી ભરવાનું કાર્યાલય સવારે ૧૦ વાગ્યે શરૂ થઈ જાય છે, પણ બપોરના દોઢ સુધી માત્ર અમુક જણનો જ વારો આવે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. પરેશાન થયેલા લોકો વારેઘડીયે
કાર્યાલયના ધક્કા ખાઇ રહ્યા છે. સવારે ૧૦ વાગ્યે આવેલા કેટલાક લોકો તો ખાધા પીધા વિના કામ પતાવવાની રાહ જોઈ રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. ‘લાંબી લાઈન તો કાયમ લાગે છે, પણ શુક્રવારે કાર્યાલય બંધ હતું એટલે ઓફિસરને માથે વધુ કામ આવી પડ્યું હતું,’ એમ મ્હાડાના કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું હતું. ં.ઘરની સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનની ચુકવણી અંગે અસ્પષ્ટતા હોવાને કારણે ‘મ્હાડા’ની લોટરીમાં ફ્લેટ મેળવનારા લોકો પાસે વારંવાર કાર્યાલયના ચક્કર લગાવ્યા વિના છૂટકો નથી. ફ્લેટ મેળવનારાઓની ફરિયાદ છે કે મુંબઈના લોટરી વિજેતાઓને ૪,૦૮૨ ફ્લેટનું વિતરણ ‘મ્હાડા’એ શરૂ કરી દીધું છે, પણ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન પેટે કેટલા પૈસા ચૂકવવાના એની સ્પષ્ટતા કોઈ જગ્યાએ નથી કરવામાં આવી. આ સંદર્ભે સંપર્ક કરવામાં આવતા ‘મ્હાડા’ના સીઈઓ સંજીવ જયસ્વાલે કહ્યું હતું કે વ્યવસ્થાની ખામી અંગે તેમને કોઈ જાણકારી નથી. ‘હું તપાસ કરી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવીશ’ એવી હૈયાધારણ તેમણે આપી હતી.