અંબરનાથમાં 30 વર્ષ જૂના લૂંટના કેસમાં મળી ન આવેલા નવ આરોપીને અદાલતે મુક્ત કર્યા | મુંબઈ સમાચાર

અંબરનાથમાં 30 વર્ષ જૂના લૂંટના કેસમાં મળી ન આવેલા નવ આરોપીને અદાલતે મુક્ત કર્યા

થાણે: અંબરનાથની સ્કૂલમાં લૂંટ ચલાવવાના આરોપસર નવ આરોપી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાયાના ત્રણ દાયકા બાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તમામને મુક્ત કર્યા હતા.

કોર્ટે કહ્યું હતું કે આરોપીઓનો હજી સુધી પત્તો લાગ્યો નથી અને રેકોર્ડ પરના પુરાવા તેમના ગુનાને સાબિત કરવા માટે અપૂરતા છે. કલ્યાણના ડિસ્ટ્રિક્ટ અને એડિશનલ સેશન્સ જજ પી.આર. અષ્તુરકરે 23 જુલાઇના રોજ આ આદેશ આપ્યો હતો.

આપણ વાંચો: નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસને નાગપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે આપી મોટી રાહત…

તપાસકર્તા પક્ષે જણાવ્યું હતું કે અંબરનાથ ખાતેની કાર્મેલ ઇંગ્લિશ સ્કૂલમાં 21 જૂન, 1995ની વહેલીસવારે માસ્ક પહેરેલા ત્રણથી ચાર શખસ ત્યાંના વોચમેન પર હુમલો કરીને તથા તેને બાંધીને ઘૂસી આવ્યા હતા.

તેમણે સ્કૂલની સિસ્ટર્સને ધમકાવીને ચાવી તેમ જ પૈસાની માગણી કરી હતી. બાદમાં તેઓ 13,000 રૂપિયા લઇને ફરાર થયા હતા. સવારે સ્કૂલનો ડ્રાઇવર આવ્યો ત્યારે તેને વોચમેન ઘાયલ અવસ્થામાં મળ્યો હતો, જ્યારે સિસ્ટર્સને રૂમમાં પૂરી દેવાઇ હતી.

આ પ્રકરણે જલંદરસિંહ ભારતસિંહ દુધાની, કબજાસિંહ ગુરુચરણસિંહ દુધાની, સંજુસિંહ ભગતસિંહ સિકલકર, ગબ્બરસિંહ તાક, અંગારસિંહ તાક, ગાગાસિંહ તાક, તક્કુસિંહ અજિતસિંહ કલ્યાણી, પિસ્તુલસિંહ ઇશ્ર્વરસિંહ કલ્યાણી અને જંજીરસિંહ તાક વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.

આપણ વાંચો: અંકિતા ભંડારીના હત્યારાઓને આજીવન કેદની સજા, કોર્ટે આપ્યો ચુકાદો

કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે મેં રેકોર્ડ તપાસ્યો છે. આખો રેકોર્ડ ફાટેલી હાલતમાં છે. આ કોર્ટમાં કેસ આવ્યા બાદ આરોપીઓ ગેરહાજર રહ્યા અને સ્ટેન્ડિંગ એનબીડબ્લ્યુ (નોન-બેલેબલ વોરન્ટ) જારી કરવા છતાં તેમને શોધી શકાયા નથી.
આરોપીઓ ગુમ છે…તેમનાં ઠેકાણાં અંગે કોઇને ખબર નથી. નજીકના ભવિષ્યમાં તેઓ મળી શકે તેવી કોઇ શક્યતા નથી.

આરોપીઓની હાજરીની અપેક્ષા રાખીને મામલો લંબાવી રાખવાની કોઇ હેતુ પૂરો થશે નહીં. તે કોઇ પરિણામ વિનાની નિરર્થક કવાયત હશે. આથી આરોપીઓ મુક્ત થવા માટે હકદાર છે, એમ કોર્ટે કહ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button