આમચી મુંબઈ

મુંબઈગરાના ડમ્પિંગ ગ્રાઉન્ડથી છૂટકારો થવાનો નથી; અંબરનાથમાં ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવવા સામે સ્થાનિકોએ વિરોધ કરતા યોજના પર પાણી ફરી વળ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈના પૂર્વ ઉપનગરમાં આવેલા દેવનાર અને કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડની ક્ષમતા પૂરી થઈ ગઈ છે અને ડમ્પિંગ ગ્રાઉન્ડને કારણે સ્થાનિક નાગરિકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તેની સામે મુંબઈ મહાનગરપાલિકાએ ડમ્પિંગ ગ્રાઉન્ડને અંબરનાથમાં ખસેડવાની યોજના બનાવી હતી. જોકે આ યોજના પર પાણી ફરી વળ્યું છે, તેથી હવે મુંબઈગરાને હવે ડમ્પિંગ ગ્રાઉન્ડથી છૂટકારો મળવાનો નથી.

મુંબઈમાંથી પ્રતિદિન નીકળતા કચરાને દેવનાર અને કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં નાખવામાં આવે છે. આ બંને ડમ્પિંગ ગ્રાઉન્ડની ક્ષમતા પૂરી થવાથી મુંબઈના ડમ્પિંગ ગ્રાઉન્ડને અંબરનાથના કરવલે ગામમાં સ્થળાંતર કરવાનો મુંબઈ મહાનગરપાલિકાનો પ્રયાસ હતો. જોકે સ્થાનિક નાગરિકોના વિરોધ અને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં રહેલા કચરામાંથી વીજ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ધ્યાન આપવાનો પ્રશાસને નિર્ણય લીધો છે. તેથી હાલપૂરતું ડમ્પિંગ ગ્રાઉન્ડનું મુંબઈથી સ્થળાંતર થવાનું નથી.

મુંબઈના કચરા માટે અંબરનાથમાં કરવલે ગામમાં ડમ્પિંગ ગ્રાઉન્ડ ઊભી કરવાની વર્ષો પહેલા સુધરાઈએ યોજના બનાવી હતી. જોકે લાંબા સમયથી ત્યાંના સ્થાનિક નાગરિકો તેની સામે વિરોધ કરી રહ્યા હતા. તેથી હવે જમીનના સંપાદનને પણ રોકી દેવામાં આવવાનું છે. આ મુદ્દે તાજેતરમાં પાલિકા મુખ્યાલયમાં એક બેઠક પણ યોજાઈ હતી.

મુંબઈમાં દરરોજ નીકળતા કચરામાંથી દેવનાર, ગોરાઈ, મુલુંડ અને કાંજુરમાર્ગમાં ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યા હતા. તેમાંથી ગોરાઈની ક્ષમતા પૂરી થઈ જતા તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. દેવનારની ક્ષમતા પણ લગભગ પૂરી થઈ ગઈ છે પણ ત્યાં કચરામાંથી વીજળીનું ઉત્પાદન કરવાનો પ્રોજેક્ટ હાથ ધરીને તેની ક્ષમતા વધારવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર ડિસેમ્બર ૨૦૧૮માં બંધ કરી દેવામાં આવ્યું હતું.

હાલ મુંબઈના તમામ કચરાનો ભાર કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર આવી રહ્યો છે, તેથી સામે સ્થાનિક નાગરિકો લાંબા સમયથી ડમ્પિંગ ગ્રાઉન્ડને બંધ કરવાની માગણી કરી રહ્યા છે. છતાં કચરાના વધતા પ્રમાણ સામે અહીં બાયોરિએક્ટર પદ્ધતિએ કચરાનો નિકાલ તબક્કાવાર કરવામાં આવી રહ્યો છે.

મુંબઈમાં હાલ પ્રતિદિન ૬,૫૦૦ મેટ્રિક ટન કચરો નીકળે છે, તેમાંથી ૬૦૦ મેટ્રિક ટન કચરો દેવનારમાં તો બાકીનો કાંજુરમાર્ગમાં નાખવામાં આવે છે. કાંજુરમાર્ગની ક્ષમતા પણ પૂરી થવાની તૈયારીમાં છે, તેથી મુંબઈનો કચરો અંબરનાથના કરવલે ગામમાં લઈ જવાની યોજના પાલિકાએ બનાવી હતી. અહીં બાવન હેકટરમાંથી ૩૯.૯૦ હેકટર જગ્યા રાજ્ય સરકારની છે, તે માટે ૧૨.૩૫ કરોડમાંથી ૧૦ કરોડ રૂપિયા પાલિકાએ ચૂકવી દીધા હતા.

તો બાકીની જગ્યા ખાનગી માલિકીની છે, તેમાંથી અમુક જગ્યા ઉપલબ્ધ થઈ નહોતી. કલેકટર મારફત આ જગ્યા કબજામાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા હતા. પરંતુ સ્થાનિકો સતત વિરોધ કરી રહ્યા હતા. તેથી સ્થાનિકોના વિરોધ અને કચરામાંથી વીજળીનું ઉત્પાદન પર ધ્યાન આપીને હવે અંબરનાથની જગ્યાનું સંપાદન કરવાનો નિર્ણય મોકૂફ રાખવાનો નિર્દેશ પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને આપ્યો છે.

Also read: ભુજબળ બગડ્યા: કસલા વાદા અન કસલા દાદા NCPના નેતૃત્વને કર્યો સવાલ શું હું તમારા હાથનું રમકડું છું

ઓક્ટોબર સુધીમાં વીજળીનું ઉત્પાદન થશે
દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં દરરોજ નાખવામાં આવતા લગભગ ૬૦૦ મેટ્રિક ટન કચરામાંથી વીજળીનું ઉત્પાદનનું કામ ચાલી રહ્યું છે. તેમાંથી દરરોજ ચાર મેગાવૉટ વીજળી ઉપલબ્ધ થશે. આ પ્લાન્ટમાંથી ઓક્ટોબર, ૨૦૨૫થી વીજળીનું ઉત્પાદન ચાલુ થશે. કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં નાખવામાં આવતા કચરામાંથી ૬૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button