આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ચૈત્યભૂમિ ખાતે હજારો લોકો ભેગા થયા…

રાજ્યપાલ, મુખ્ય પ્રધાને પ્રતિમાનું સન્માન કર્યું…
મુંબઈ: ડો. બાબાસાહેબ આંબેડકરના હજારો અનુયાયીઓ શનિવારે મુંબઈના દાદર વિસ્તારમાં તેમના સ્મારક પર એકઠા થયા હતા અને સમાજ સુધારકને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી, જેને ‘મહાપરિનિર્વાણ દિન’ તરીકે ઉજવવામાં આવે છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરે શિવાજી પાર્કમાં ‘ચૈત્યભૂમિ’ ખાતે આંબેડકરને શ્રદ્ધાંજલિ આપનારાઓમાં સામેલ હતા.
રાજ્યપાલે કહ્યું હતું કે આંબેડકરે દેશને એક એવું બંધારણ આપ્યું જે તમામ લોકોને સમાન અધિકારો આપે છે.

ડો. આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ‘ચૈત્યભૂમિ’ ખાતે આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં બોલતા, દેવવ્રતે કહ્યું કે મહાન વ્યક્તિત્વો સામાજિક ન્યાયની ચળવળોને મજબૂત બનાવે છે અને તેમના વિચારો અને કાર્ય દ્વારા હંમેશા જીવંત રહે છે.
‘મુશ્કેલીઓ છતાં, બાબાસાહેબ શિક્ષણને પરિવાર, સમાજ અને દેશના ભવિષ્યને બદલવા માટે સૌથી શક્તિશાળી હથિયાર માનતા હતા. બંધારણે વિવિધ સમુદાયોના લોકોને એક કર્યા અને બધાને સમાન અધિકારો સુનિશ્ર્ચિત કર્યા હતા,’ એમ તેમણે કહ્યું હતું.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આંબેડકરે રાષ્ટ્રની પ્રગતિનો પાયો નાખ્યો હતો અને તેમના દૂરંદેશી દ્રષ્ટિકોણને કારણે, ભારત વિશ્ર્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે અને ટૂંક સમયમાં ત્રીજા ક્રમે પહોંચવા માટે સજ્જ છે.
ફડણવીસે ભારતની ઉર્જા સુરક્ષામાં આંબેડકરની ભૂમિકા પર ભાર મૂક્યો, કહ્યું કે રાષ્ટ્રીય પાવર ગ્રીડ ખ્યાલ અપનાવવાથી દેશ ઊર્જા આત્મનિર્ભરતા તરફ આગળ વધી શક્યો.‘સંવિધાને મજબૂત લોકશાહીનો પાયો સુનિશ્ર્ચિત કર્યો અને સામાન્ય નાગરિકોના અધિકારોનું રક્ષણ કર્યું,’ એમ તેમણે જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર ‘ચૈત્યભૂમિ’ સ્મારક ખાતે વિકાસ કાર્યો પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે આંબેડકરનો સંઘર્ષ સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુત્વ સ્થાપિત કરવા માટે હતો.રાજ્યપાલ, મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન, અનેક પ્રધાનો, સાંસદો, વિધાનસભ્યો અને મહાનુભાવો સાથે, સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મહાનુભાવોએ બીએમસી દ્વારા આયોજિત ફોટો પ્રદર્શનની પણ મુલાકાત લીધી.
‘ચૈત્યભૂમિ’ પર હેલિકોપ્ટર દ્વારા ફૂલોની પાંખડીઓ વરસાવવામાં આવી અને ઉપસ્થિતોને બંધારણની નકલો અર્પણ કરવામાં આવી હતી.



