મહાપરિનિર્વાણ દિન: પાંચ હજારથી વધુ પોલીસ બંદોબસ્તમાં તહેનાત…

મુંબઈ: ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે તેમના લાખો અનુયાયીઓ શનિવારે દાદર વિસ્તારના ચૈત્યભૂમિ ખાતે એકઠા થવાની અપેક્ષા હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે પાંચ હજારથી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવ્યા છે. આ અનુયાયીઓ નજીકના શિવાજી પાર્કમાં ભેગા થવા લાગ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મહાપરિનિર્વાણ દિન નિમિત્તે તેમના અનુયાયાઓ દેશભરમાંથી તથા મહારાષ્ટ્રના અલગ અલગ સ્થળેથી મોટી સંખ્યામાં ચૈત્યભૂમિ ખાતે એકઠા થતા હોય છે. એ સિવાય વિવિધ રાજકીય પક્ષો અને સંગઠનોના પદાધિકારીઓ-કાર્યકતાઓ પણ હાજર રહેતા હોવાથી શનિવારે આ વિસ્તારમાં પાંચ હજારથી વધુ પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. આમાં ત્રણ એડિશનલ પોલીસ કમિશનર, આઠ ડેપ્યુટી પોલીસ કમિશનર અને 21 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સહિત 492 અધિકારી અને 4,640 કર્મચારીનો સમાવેશ છે.
ઉપરાંત મહત્ત્વનાં સ્થળોએ બંદોબસ્ત માટે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)ની પ્લાટૂન, ક્વિક રિસ્પોન્સ ટીમ, રાયટ્સ ક્ધટ્રોલ ફોર્સ, ડેલ્ટા, કોમ્બેટ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ) તથા હોમગાર્ડસની મદદ લેવામાં આવી છે.



