
દુનિયાના ધનવાન પરિવારોમાં અંબાણી પરિવારની ગણતરી કરવામાં આવે છે, આ પરિવારની દરેક વ્યક્તિની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતી હોય છે. પરંતુ શું તમને ખબર છે કે અંબાણી પરિવારના સભ્યોને કઈ મિઠાઈ પસંદ છે, અને તે ક્યાંથી આવે છે? જો તમને એવું લાગતું હોય કે અંબાણી પરિવારની વાત હોય તો તેઓ કોઈ મોટી હાઈફાઈ શોપમાંથી મિઠાઈ મંગાવતા હશે તો ભાઈસાબ એવું નથી. યુપીની એક નાનકડી દુકાનની મિઠાઈ અંબાણી પરિવારની મનગમતી મિઠાઈ છે, ચાલો જોઈએ કઈ છે આ મિઠાઈ અને યુપીની કઈ દુકાન છે એ-
અંબાણી પરિવારના લોકોને લોન્જ નામની મિઠાઈ ખૂબ જ પસંદ છે અને આ મિઠાઈ સ્વાદમાં તો કાજુકતરી જેવી હોય છે. મીઠા કલાકંદની જેમ જ દૂધ અને મલાઈમાંથી આ ખાસ મિઠાઈ બનાવવામાં આવે છે. એક વખત જે વ્યક્તિ આ મિઠાઈનો સ્વાદ ચાખી લે તેને જીવનભર તેનો સ્વાદ યાદ રહી જાય છે. ઉત્તર પ્રદેશના શાહજહાપુર જિલ્લાના તિલહર ખાતે આ મિઠાઈ બને છે અને અંબાણી પરિવારને આ મિઠાઈ એટલી પસંદ છે કે પ્રાઈવેટ જેટ મોકલીને તેઓ આ મિઠાઈ મુંબઈ એન્ટિલિયા ખાતે મંગાવે છે.

તિલહર ગામની સ્થાનિક દુકાનમાં આ મિઠાઈ પેઢી દરપેઢીની બનાવવામાં આવી રહી છે. આ મિઠાઈ બનાવવાનો ધંધો કરી રહેલાં પરિવારે તેમની આ ખાસિયતને જાળવી રાખી છે અને તે માત્ર અંબાણી પરિવાર જ નહીં પણ શહેરના બીજા મોટા મોટા લોકો પણ આ મિઠાઈ ખાવાનું પસંદ કરી રહ્યા છે. દેશમાં જ નહીં વિદેશમાં પણ આમ મિઠાઈ ખૂબ જ ચલણમાં છે, ખાસ પ્રસંગે જ ત્યાંના લોકો આ મિઠાઈ મંગાવે છે. આ ગામને ત્યાં બનાવવામાં આવતી મિઠાઈને કારણે વૈશ્વિકસ્તરે આગવી ઓળખ મળી છે.
વાત કરીએ અંબાણી પરિવારની અંબાણી પરિવારના સભ્યો ખાવાના ખૂબ જ શોખીન છે. આ પહેલાં વચ્ચે એવા અહેવાલો આવ્યા હતા કે દર રવિવારે અંબાણી પરિવારના ઘરે મુંબઈના માટુંગા ખાતે આવેલા મદ્રાસ કેફેમાં ફૂડ ઓર્ડર કરીને નાસ્તો કરે છે. અંબાણી પરિવારે નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ ઉત્તર પ્રદેશથી ચાટ, મિઠાઈ બનાવનારાઓને ખાસ મુંબઈ તેડાવ્યા હતા.
ખેર, પ્રાઈવેટ જેટથી પોતાને ભાવતી મિઠાઈ મંગાવવાની લક્ઝરી તો અંબાણી પરિવાર જેવા ધનવાન પરિવારને જ પોષાય ભાઈસાબ. પણ હવે જ્યારે ઉત્તરપ્રદેશ બાજુ ફરવા જાવ તો ચોક્કસ જ આ તિલહર ગામની મુલાકાત લઈને ત્યાંની વખણાતી મિઠાઈ લોન્જનો સ્વાદ અવશ્ય માણવાનું ભૂલતા નહીં, હં ને?