આમચી મુંબઈ

પાણીની પાઇપલાઇનને નુકસાન પહોંચાડનારને BMC એ ફટકાર્યો ૮૩ લાખનો દંડ…

મુંબઈ: ગયા અઠવાડિયે અમર મહેલ જંકશન ખાતે મેટ્રો પ્રકલ્પનું કામ શરૂ હતું ત્યારે ૧૨૦૦ મિલિમીટર વ્યાસની પાઇપલાઇનને નુકસાન પહોંચતા લીકેજ શરૂ થયું હતું જેથી શહેર અને પૂર્વ પરાંના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહ્યો હતો. કોન્ટ્રેક્ટરની બેદરકારીને કારણે પાલિકાને મોટું નુકસાન થયું હતું.

વેડફાયેલા પાણી, સમારકામનો ખર્ચ અને દંડ વગેરે મળીને અંદાજે ૮૩ લાખ રૂપિયાનો દંડ કોન્ટ્રેક્ટરને ફટકારવામાં આવ્યો હતો. સંબંધિત કોન્ટ્રેક્ટરને દંડ ભરવાનો આદેશ આપવામાં આવે, એવી વિનંતી પાલિકાએ મેટ્રો પ્રશાસનને કરી છે. અમર મહેલ જંકશન ખાતે મેટ્રો પ્રકલ્પનું કામ શરૂ હતું ત્યારે ૧૨૦૦ મિલિમીટર વ્યાસની પાઇપલાઇનને નુકસાન પહોંચ્યું હતું અને મોટું લીકેજ થયું હતું. કોન્ટ્રેક્ટર દ્વારા તકેદારી રાખવામાં નહીં આવતા શનિવારે સવારે ગળતર શરૂ થયું હતું. પાલિકાના એન્જિનિયરોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સમારકામ હાથ ધર્યું હતું.

પાઇપલાઇન ફૂટી જવાને કારણે એમ-પશ્ચિમ, એમ-પૂર્વ, એન, એલ, એફ-ઉત્તર, એફ-દક્ષિણ વગેરે વિસ્તારમાં પાણી પુરવઠો ૨૪ કલાક બંધ રહ્યો હતો. સમારકામ માટે પચાસથી ૬૦ કર્મચારીઓ હાજર રહ્યા હતા. હજારો લિટર પાણી વેડફાયું હતું, સમારકામનો ખર્ચ વગેરે મળીને પાલિકાએ ૮૩.૫૮ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને મેટ્રો પ્રશાસનને પત્ર લખીને જણાવ્યું છે.

આપણ વાંચો : મેટ્રોએ કરી મુંબઈમાં મોકાણઃ પાણીની પાઈપલાઈન ફૂટતા આ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button