મુંબઈની ડાયમંડ માર્કેટને ગુજરાત ખસેડવાના આક્ષેપો
મુંબઈ: મહારાષ્ટ્રના મોટા ઉદ્યોગોને રાજ્યથી દૂર ગુજરાત લઇ જવાનો અને હાલમાં એક મોટા ઉદ્યોગને સુરતમાં ખસેડવાનો કારસો છેલ્લા ઘણા સમયથી રચાઇ રહ્યો હોવાનું મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું હતું. વેંદાતા-ફોક્સકોન સહિત અનેક મોટા પ્રોજેકટ ગુજરાતને આપીને શિંદે-ફડણવીસ-પવારની સરકાર મહારાષ્ટ્રને પતનની દિશામાં દોરી રહી છે. વર્તમાન ભાજપ સરકાર મુંબઈ અને મહારાષ્ટ્રના મહત્ત્વને ઓછું કરવામાં સરકારે કોઇ કસર નથી છોડી, એવો
આરોપ પટોલેએ કર્યો હતો. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈના મોટા હીરાઉદ્યોગની સાથે અન્ય ઉદ્યોગોને ગુજરાત લઇ જવા માટે જ મહારાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે.
મહારાષ્ટ્રમાંથી મોટા ઉદ્યોગધંધા અન્યત્ર ખસેડવામાં આવ્યા બાદ ગુજરાતનું મહત્ત્વ દેશ અને આંતરરાંષ્ટ્રીય સ્તરે વધારવા માટે કેન્દ્રમાં બેસેલા ભાજપનો પ્રયાસ સતત ચાલી રહ્યો છે. એના જ એક ભાગરૂપે સુરતમાં રૂ. ૩૪૦૦ કરોડનો ખર્ચ કરીને હીરાઉદ્યોગ કેન્દ્ર ઊભું કરીને મુંબઈની ડાયમંડ માર્કેટને ગુજરાતમાં ખસેડવાનો ઘાટ રચાઇ ગયો છે. મુંબઈના હીરા વેપારીઓની અંદાજે એક હજાર ઓફિસ સુરતમાં સ્થળાંતરિત થવાનો ભય છે. આને કારણે રાજ્યની જમા થનારી હજારો કરોડની મહેસૂલ અને રોજગાર ડૂબવાનો ભય છે. દરમિયાન સુરત ડાયમંડ બુર્સ હીરા ઉદ્યોગ કેન્દ્રનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડિસેમ્બર મહિનામાં થવાની શક્યતા છે.
કેન્દ્ર સરકાર તરફથી વિદેશમાંથી આવનારું રોકાણ હોય કે પછી દેશ અંતર્ગત રોકાણ હોય તેમાં ગુજરાતને મોખરાનું સ્થાન કેવી રીતે મળે એ માટે પ્રયાસ ચાલી રહ્યા છે. દેશમાં ગુજરાતને આર્થિક રાજધાની બનાવવા માટે કેન્દ્રમાં ભાજપના નેતાઓ કમર કસી રહ્યા છે. એના જ ભાગરૂપે મુંબઈના હીરાના વેપારીઓને આંચકો આપવા માટે સુરત ડાયમંડ બુર્સ ઉભારવામાં આવે એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે.
કેવું હશે સુરત ડાયમંડ બુર્સ?
સુરતના ખજોદ વિસ્તારમાં ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં ૬૭ લાખ ચોરસ ફૂટની જમીન પર ૧૪-૧૪ માળના ૯ ટાવર ઊભા કરવામાં આવશે. આ ટાવરમાં હીરા વેપારીઓ માટે ૪૩૦૦ ઓફિસો હશે. તમામ પ્રકારની સુવિધા આપવામાં આવી હોવાને કારણે બિલ્ડિંગ બની નથી ત્યાં હીરાના વેપારીઓએ અહીં ઓફિસ ખરીદવાની શરૂ કરી દીધી છે.
સુરતથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરાશે
હીરા પર તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ સુરતમાં વેપારીઓને આ હીરા એક્સપોર્ટ કરવા માટે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અવલંબવું પડે છે. આને કારણે હવે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ બનાવવા માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. આથી સુરતના હીરાવેપારીઓએ મુંબઈમાં ઓફિસ લેવાની કે પછી એક્સપોર્ટ માટે મુંબઈ એરપોર્ટ પર અવલંબવાની જરૂર નહીં રહે.