આમચી મુંબઈ

મુંબઈમાં સ્વાઈન ફ્લૂના કેસમાં ચિંતાજનક વધારો

માત્ર ૧૫ દિવસમાં ૩૦ કેસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં હજી ઠંડીનું આગમન થયું નથી તે પહેલા જ સ્વાઈન ફ્લૂ (એચ૧એન૧)ના કેસમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૧૫ દિવસમાં સ્વાઈન ફ્લૂના મુંબઈમાં ૩૦ કેસ નોંધાયા છે. એ સાથે જ મચ્છરથી ફેલાતા ડેન્ગ્યૂ અને મલેરિયાના દર્દીનો આંકડો પણ ઊંચો નોંધાયો છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાનું આરોગ્ય ખાતું સતર્ક થઈ ગયું છે અને મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ઈન્સ્પેક્શન કરીને મચ્છરોની ઉત્પત્તિનાં સ્થળોનો નાશ કરવાનું કામ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યું છે.

મુંબઈમાં પહેલી ઑક્ટોબરથી ૧૫ ઑક્ટોબર , ૨૦૨૩ સુધીના પખવાડિયામાં મચ્છરોના કરડવાથી થતા મલેરિયા અને ડેન્ગ્યૂના કેસમાં વધારો જોવા મળ્યો છે. હાલ મુંબઈગરા ઑક્ટોબર હીટનો અનુભવ કરી રહ્યા છે અને હજી તો ઠંડીનું આગમન થયું નથી, તે પહેલા જ સ્વાઈન ફ્લૂના કેસમાં અચાનક વધારો નોંધાયો છે. ગયા અઠવાડિયાની સરખામણીમાં આ અઠવાડિયામાં સ્વાઈન ફ્લૂના કેસ વધી ગયા છે. ગયા આખા મહિના સપ્ટેમ્બરમાં સ્વાઈન ફ્લૂના માત્ર ૧૮ કેસ નોંધાયા હતા, તેની સામે ઑક્ટોબરના માત્ર ૧૫ દિવસમાં જ ૩૦ કેસ થઈ ગયા છે.

સાર્વજનિક આરોગ્ય ખાતાના અધિકારીના કહેવા મુજબ વાતાવરણમાં થઈ રહેલા ફેરફારને કારણે હાલ ફ્લૂના કેસમાં વધારો થયેલો જણાઈ રહ્યો છે. નાગરિકોએ કાળજી રાખવી જોઈએ, જેથી ફ્લૂનો ચેપ લોકોમાં ફેલાય નહીં. છીંક આવે ત્યારે રૂમાલથી મોં ઢાંકવું અને નાક સતત ગળતું હોય તો રૂમાલ અથવા ટીશ્યુ પેપર સાથે રાખવો. હાથને સતત ચોખ્ખા પાણી અને સાબુથી ધોતા રહેવું જોઈએ. આંખ, નાક અને મોઢાને હાથ લગાવવો નહીં. ભીડભાડવાળા વિસ્તારમાં જવાનું ટાળવાની સલાહ પણ આરોગ્ય ખાતાએ આપી છે. તેમ જ ફ્લૂનાં કોઈ લક્ષણો જણાય તો જાતે દવા નહીં કરતા તુરંત ડૉકટરની સલાહ લેવાની સૂચના પણ પાલિકાએ આપી છે.

સ્વાઈન ફ્લૂની સાથે જ મલેરિયા, ડેન્ગ્યૂ અને પાણીજન્ય ગૅસ્ટ્રોના કેસમાં પણ વધારો જણાયો છે. પહેલી ઑક્ટોબરથી ૧૫ ઑક્ટોબર , ૨૦૨૩ સુધીના પખવાડિયામાં ડેન્ગ્યૂના ૪૯૨, મલેરિયાના ૪૧૮ અને ચિકનગુનિયાના ૧૩, હેપેટાઈટીસના ૨૪, ગૅસ્ટ્રોના ૧૭૯ અને લૅપ્ટોના ૨૧ કેસ નોંધાયા છે.

મલેરિયાને નિયંત્રણમાં રાખવા માટે પહેલી ઑક્ટોબરથી ૧૫ ઑક્ટોબર , ૨૦૨૩ સુધીના પખવાડિયામાં મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ૧૧,૯૫૬ ઘરનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું અને ૩૬,૧૦૫ મચ્છરના પ્રજનન સ્ત્રોતની તપાસ કરી હતી. એ દરમિયાન ૧,૨૮૧ ઍનોફિલીસ મચ્છરોની ઉત્પત્તિનાં સ્થળો શોધી કાઢ્યાં હતાં. તો મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ૭,૧૦,૫૮૨ ઘરનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું અને ૩,૪૫,૨૧૦ કંટેનર તપાસ્યા હતા. એ દરમિયાન ૫,૧૦૨ ઍડિસ મચ્છરોની ઉત્પત્તિનાં સ્થળો શોધી કાઢ્યાં હતાં. પાલિકાના પેસ્ટ કંટ્રોલ વિભાગ દ્વારા મુંબઈના જુદા જુદા ૧૫,૯૬૮ બિલ્િંડગમાં તો ૨,૦૩,૫૮૧ ઝૂંપડા પર ધુમાડો કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button